
સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરની પાનોલી પોલીસે પાનોલીથી રવીદ્રા ગામ તરફના માર્ગ ઉપરથી કોઇપણ જાતની મંજૂરી વિના ઘન કચરો ખાલી કરવા સુરતથી આવેલા ત્રણ હાઈવા ટ્રક ડિટેઈન કરી 30 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વરની પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન પાનોલીથી રવીદ્રા ગામ તરફના માર્ગ ઉપર ત્રણ હાઈવા ટ્રકમાં ઘન કચરો ભરેલો હતો. જે ટ્રકને અટકાવી ટ્રકચાલક સુરેશ બચું નીનામા, રણજીત પન્સિંગ વાસકેલા અને સંજીત ગૌરી યાદવની કચરા બાબતે પૂછપરછ કરતાં આ કચરો સુરતની સચિન જી.આઈ.ડી.સી.પાસે ખજોડ ડમ્પિંગ સાઈટ ખાતેથી ઘન કચરો ભરી રવીદ્રા ગામના જાબીર પટેલના ખેતરમાં ખાલી કરવા માટે જતા હોવાનું જણાવ્યું હતું.
પોલીસે ત્રણેય ટ્રકચાલક પાસે ગ્રામ પંચાયત, આરોગ્ય વિભાગ, જી.પી.સી.બી તેમજ ફાયર વિભાગ સહિત સંબંધિત વિભાગોની મંજૂરી બાબતે પૂછાતાં તેઓએ સંતોષકારક જવાબ નહિ આપતાં પોલીસે પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યને નુકશાન થાય તેવા કૃત્ય બદલ ગુનો નોંધી 71 હજારથી વધુ કિલો ગ્રામ ઘન કચરો અને ત્રણ વાહન મળી કુલ 30 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી છે.




