DEVBHOOMI DWARKAKHAMBHALIYA

ખંભાળિયા ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા કલેકટર એ.બી.પાંડરોના અધ્યક્ષસ્થાને ૧૫માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ

૧૫માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી નિમિત્તે ERO, AERO, યુવા મતદાર મહોત્સવ -૨૦૨૪ના વિજેતાઓને સન્માનિત કરાયા

***

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

ભારતના ચૂંટણી પંચની રચના ૨૫ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ કરવામાં આવી હતી જેના ભાગરૂપે નાગરીકોમાં મતદાન પ્રત્યે જાગૃતતા ફેલાઇ તેવા ઉમદા આશયથી વર્ષ ૨૦૧૧થી આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજરોજ કલેકટર કચેરી, ખંભાળિયા ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને ઇન્ચાર્જ  જિલ્લા કલેકટર શ્રી એ.બી.પાંડોરના અધ્યક્ષતામાં Nothing Like Voting, I Vote for Sure” (મતદાન જેવું શ્રેષ્ઠ બીજું કઈ નથી, હું ચોક્કસપણે મતદાન કરીશ)થીમ પર ૧૫માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ઇન્ચાર્જ જિલ્લા કલેકટર શ્રી એ.બી.પાંડોરે જણાવ્યું હતું કે, મતદાનએ આપણા સૌની નૈતિક ફરજ છે. લોકશાહીના સશક્તિકરણ માટે મતદાનએ અગત્યનું પરિબળ છે. રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીનો મુખ્ય ઉદેશ ભારતના નાગરિકોને મતદાર તરીકે તેમના અધિકારો અને જવાબદારીઓથી વાકેફ કરવાનો છે. મજબૂત લોકશાહીના નિર્માણ માટે સક્ષમ અને સર્વસમાવેશક ચૂંટણી સહભાગિતા મહત્વપૂર્ણ છે તેમજ કોઇપણ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવાની જવાબદારી આપણી છે. ઉપરાંત દરેક ચૂંટણીમાં તમારા મતાધિકારનો ઉપયોગ કરી અન્યને પણ મતદાન કરવા માટે પ્રેરિત કરવા જોઈએ.

આ તકે નિવાસી અધિક કલેકટર શ્રી બી.એમ.જોટાણીયાએ કહ્યું હતું કે, જીવંત લોકશાહીમાં, ચૂંટણીઓ મુક્ત, નિષ્પક્ષ, નિયમિત અને વિશ્વસનીય હોય તે પૂરતું નથી, પરંતુ લોકોનો વિશ્વાસ જીતનારી અને પ્રજાલક્ષી હોવી જોઈએ,. મતદાનનો અધિકાર ત્યારે જ શક્તિના રૂપમાં પરિણમશે જ્યારે તેનો યોગ્ય-સાર્થક ઉપયોગ કરવામાં આવે. ત્યારે દેશના જવાબદાર નાગરિક તરીકે પોતાનો અમૂલ્ય મત આપી લોકશાહીને વધુ મજબૂત બનાવવા આહવાન કર્યું હતું.

આ પ્રસંગે, ERO, AERO, શ્રેષ્ઠ નાયબ મામલતદાર મતદારયાદી, શ્રેષ્ઠ સેકટર ઓફિસર, શ્રેષ્ઠ બી.એલ.ઓ., શ્રેષ્ઠ મતદાર સાક્ષરતા ક્લબ, શ્રેષ્ઠ ચુનાવ પાઠશાળા, શ્રેષ્ઠ કેમ્પસ એમ્બેસેડર, યુવા મતદાર મહોત્સવ – ૨૦૨૪ના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં માન. મુખ્ય ચૂંટણી કમિશ્નરશ્રી દ્વારા આપવામાં આવેલ સંદેશ, “હું ભારત છું, ભારત છે મુજમાં” ગીતનું નિદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સર્વેએ લોકશાહી તંત્રમાં શ્રધ્ધા રાખી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ ચૂંટણીઓમાં મતદાન કરવા અંગેની પ્રતિજ્ઞા લીધી હતી. આ તકે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જે.ડી.પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન તથા આભારવિધિ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ૨૦૨૫ અંતર્ગત ખાસ ઝુંબેશમાં જિલ્લામાં કુલ ૧૮,૪૬૯ અરજીઓ મળી હતી. જેમાંથી ૧૭,૫૪૯ ફોર્મ મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં નવા નામ કુલ ૬૯૦૦ ફોર્મ મંજૂર કરવામાં આવ્યા હતા. તેમજ ૨૭૮૦ ફોર્મ નામંજુર કરવામાં આવ્યા હતા. તેમજ કુલ ૭,૮૮૮ જેટલા મતદારોએ નામ-સરનામામાં સુધારા કર્યા હતા. આમ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૪૧૨૦ મતદારો વધારો થયો છે. જિલ્લામાં ૧૦૦૦ પુરુષો મતદારોની સાપેક્ષે સ્ત્રી મતદારો સંખ્યા ૯૫૫ હતી જે વધીને ૯૬૦ થઈ છે. જ્યારે ૧૮-૧૯ વયજૂથના મતદારો ગયા વર્ષે ૦.૮૧ ટકા હતો જે વધીને ૧.૨૧ ટકા થયો છે. હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૬,૦૭,૭૯૯ મતદારો છે જેમાં ૩,૧૦,૦૯૮ પુરુષ અને ૨,૯૭,૬૮૨ સ્ત્રી અને ૧૯ અન્ય મતદારો છે.

આ તકે ખંભાળિયા પ્રાંત અધિકારીશ્રી કે.કે. કરમટા, ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના મામલતદારશ્રી, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, કર્મચારીઓ,  શાળા કોલેજના છાત્રો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!