AHAVADANGGUJARAT

સાપુતારાની મુલાકાતે આવનાર મુખ્યમંત્રીને આહવાના તળાવની મુલાકાત કરવા બીજી વખત કોંગ્રેસ સમીતીએ આમંત્રણ પાઠવ્યું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં ગિરીમથક સાપુતારા ખાતે 25મી જુલાઈનાં રોજ મુખ્યમંત્રી પધારી રહ્યા છે.ત્યારે આહવા ખાતે આવેલ તળાવ (બંધારા)ની સ્થળ મુલાકાત કરવા કૉંગ્રેસ સમિતિ દ્વારા બીજી વખતનું આમંત્રણ પાઠવવામાં આવ્યુ…

ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે આવેલ એકમાત્ર તળાવ (બંધારા)ની દયનીય હાલત થઈ ગઈ છે.તેથી તેનું સમારકામ કરવામાં આવે તે જરૂરી બન્યુ છે.જોકે વહીવટી તંત્ર દ્વારા આ અંગે કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.ત્યારે એક માસનાં ટૂંકા ગાળામાં ફરી એક વાર મુખ્યમંત્રી ડાંગ જિલ્લામાં આવનાર છે.જેથી મુખ્યમંત્રી આ તળાવની મુલાકાતે પહોંચે તે માટે ડાંગ કોંગ્રેસના નેતા મનીષ મારકણા અને સ્નેહલ ઠાકરે એ તેમને આમંત્રણ પાઠવ્યુ છે.આહવા નગરમાં પાણી માટે જીવાદોરી સમાન એક માત્ર તળાવ આવેલ છે.જે ઉનાળાનાં સમયમાં સુકાઈ જવા પામેલ હતુ.અને તેમાં જળકુંભીનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળે છે.ઉનાળામાં આ તળાવ સુકાઈ જવાથી આહવા ગામમાં પાણીના તળ ખુબ ઊંડા જાય છે. તેમજ મૂંગા પશુ પક્ષીઓને પણ પાણીની હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે.ગ્રામજનો દ્વારા તળાવનો સામાજિક કાર્યોમાં પણ ઉપયોગ થતો હતો પરંતુ હવે તેનો સામાજિક કાર્યમાં ઉપયોગ થઈ શકતો નથી.વહીવટી તંત્રના ઉદાસીન ભર્યા વલણના કારણે આહવાના જીવાદોરી સમાન એકમાત્ર તળાવની અત્યંત દયનિય હાલત થવા પામી છે.ત્યારે સમગ્ર મામલાને લઈને ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકરી પ્રમુખ મનીષ મારકણા દ્વારા સરપંચ અને જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યોને લેખિતમાં રજૂઆત કરવામાં હતી.જોકે હજુ સુધી આ અંગે કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નથી.ગત તા.૨૬/૦૬/૨૦૨૪ ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ડાંગ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવમાં હાજરી આપવા માટે આવ્યા હતા.ત્યારે પણ મનીષ મારકણા અને સ્નેહલ ઠાકરેએ આહવા નગરની શાન એવા એકમાત્ર તળાવની મુલાકાત લેવા મુખ્યમંત્રીને ભાવભીનું આમંત્રણ પાઠવ્યુ હતુ.જોકે મુખ્યમંત્રી એ તેની મુલાકાત લીધી નહોતી.ત્યારે ફરી એક વાર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તા.૨૫/૦૭/૨૦૨૪ ના રોજ ડાંગ જિલ્લામાં એક માસના  ટૂંકા ગાળામાં બીજી વાર હાજરી આપી રહ્યા છે.જેથી મુખ્યમંત્રીને આહવા નગરના એકમાત્ર તળાવની મુલાકાત લેવા માટે ડાંગ કૉંગ્રેસનાં અગ્રણી નેતાઓમાં મનીષ મારકણા અને સ્નેહલ ઠાકરેએ ફરી એકવાર આમંત્રણ પાઠવ્યુ છે.ત્યારે રાજ્યનાં મુખ્યમંત્રી આહવાનાં શાન સમાન તળાવની મુલાકાત લઈ નગરજનોને વાચા આપશે કે કેમ તે આવનાર સમય જ બતાવશે..

Back to top button
error: Content is protected !!