
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જીલ્લાના પશુપાલકો માટે પશુ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા ‘વૈજ્ઞાનિક ઢબે બકરાંઓનું વ્યવસ્થાપન’ વિષય પર વેટરનરી કોલેજ, નવસારી ખાતે વિશેષ તાલીમ અપાઈ
પશુ વિજ્ઞાન કેન્દ્ર (પી.વી.કે.), વઘઈ, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, નવસારી કેમ્પસ દ્વારા “વૈજ્ઞાનિક ઢબે બકરાંઓનું વ્યવસ્થાપન” વિષયક એક દિવસીય તાલીમ (ઓન કેમ્પસ) કાર્યક્રમ તારીખ ૧૮ ડીસેમ્બર, ૨૦૨૫ ના રોજ પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, નવસારી કેમ્પસ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ તાલીમમાં આહવા અને સુબીરના (ડાંગ જીલ્લા) કુલ ૮૨ પશુપાલકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વૈજ્ઞાનિક પશુપાલન અંગે મહત્વપૂર્ણ માહિતી મેળવી.
આ સમગ્ર કાર્યક્રમ ડૉ. એમ. પી. માઢવાતર અને ડૉ. ઉત્સવ સુરતી દ્વારા, ડૉ. એમ. એમ. ઇસ્લામ (ઇન્ચાર્જ, પી.વી.કે.) ના નેતૃત્વમાં અને ડૉ. વી. એસ. ડબાસ (આચાર્ય, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ વિશ્વવિદ્યાલય, નવસારી) તથા ડૉ. જે. એસ. પટેલ (વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, કામધેનુ વિશ્વવિદ્યાલય, ગાંધીનગર) ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
સૌપ્રથમ પશુપાલકોની નોંધણી શ્રી વિશાલ અમીન (પશુધન નિરીક્ષક) દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત ડૉ. વી. એસ. ડબાસ (આચાર્યશ્રી) એ પશુપાલકોના સ્વાગત અને સન્માનથી કરી હતી. ડૉ. એમ. એમ. ઇસ્લામ (ઇ/ચા. પીવીકે) એ પશુ વિજ્ઞાન કેન્દ્રના ઉદેશો અને કામગીરીની વિગતવાર માહિતી આપી હતી. ત્યારબાદ, વિવિધ નિષ્ણાંતો દ્વારા પશુપાલકોને મહત્વપૂર્ણ મુદ્દાઓ જેવા કે, બકરાંઓની માવજત, રહેઠાણ વ્યવસ્થાપન, પોષણ અને પ્રજનન વ્યવસ્થાપન વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, પશુપાલકોને કામધેનુ વિશ્વવિદ્યાલય હેઠળના પશુસંશોધન કેન્દ્ર ખાતે લઇ જઈ ટીટ ડીપ કપનાં ઉપયોગ કરવા માટે નિદર્શન (પ્રેક્ટિકલ ડેમો) પણ કરવામાં આવ્યું હતું. તાલીમના અંતે, ડૉ. ઉત્સવ સુરતી, ડૉ. એમ. પી. માઢવાતર અને ડૉ. સુનિલ કાપડી દ્વારા ઉપસ્થિત પશુપાલકો પાસેથી પ્રશ્નો અને મૂંઝવણો સાંભળી તેઓના પ્રશ્નોના નિરાકરણ આપવામાં આવ્યા હતા. તાલીમ દરમિયાન પશુપાલકોને પ્રોત્સાહનના ભાગરૂપે કિટનું (પશુપાલન વિષય આધારિત સાહિત્ય, ટીટ ડીપ કપ, અને બેગ) વિતરણ પણ કરવામાં આવ્યું, જે પશુપાલકો માટે ખુબજ લાભદાયી સાબિત થશે. પશુ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ દ્વારા કરવામાં આવતી આવી પ્રવૃત્તિઓ ગ્રામ્ય વિસ્તારોમાં વસતા પશુપાલકોને પશુપાલન તરફ પ્રોત્સાહન આપીને આત્મનિર્ભરતાની દિશામાં પ્રેરણા આપે છે.





