GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી આરોગ્યની ટીમના ૮,૬૬,૯૯૨ વ્યક્તિઓનું સ્ક્રીનીંગમાં ૪૬,૨૩૯ સિકલવાહક અને ૧૮૧૪ સિકલસેલ ડીસીસનાં દર્દીઓ મળી આવ્યા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

*સિકલસેલ એનિમીયા થી ડરવાની જરૂર નથી જરૂર છે માત્ર આ રોગને સમજવાની*

નવસારી, તા.૧૮: આજે ૧૯મી જુન વિશ્વ સિકલસેલ દિવસ. સિકલસેલ એનિમિયાં એ વારસાગત રોગ છે. જે રંગસુત્રોની ખામીને લીધે થાય છે સિકલસેલ રોગમાં ખામીયુક્ત રંગસુત્રો માતા-પિતામાંથી બાળકને વારસામાં મળે છે આ ખામીયુક્ત રંગસુત્રને કારણે બાળકોમાં સીકલસેલ ટ્રેઇટ અથવા સીકલસેલ ડીસીઝની સંભાવના રહે છે. આ રોગ મોટે ભાગે આદિજાતિ વિસ્તારમાં વધુ જોવા મળે છે. આ રોગની ગંભીરતાને ઘ્યાને લઇ દર્દીના પડતી તકલીફ દુર કરવા અને સિકલસેલ રોગ આગામી પેઢીમાં પ્રસરે નહિ તે હેતુ થી વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે દેશનાં ૧૭ રાજ્યમાં સિકલસેલ એનિમીયા નાબુદી મીશન ૨૦૪૭નો પ્રારંભ વર્ષ ૨૦૨૩માં કરવામાં આવ્યો હતો.

*બોક્ષ-૧*
નવસારી જિલ્લા સિકલસેલ એનીમીયા કંટ્રોલ પ્રોગ્રામ નોડલ ઓફિસર ડો.ભાવેશ એસ પટેલ દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર નવસારી જિલ્લાની કુલ વસ્તી ૧૩,૨૯,૬૭૨ છે જેમાંથી ૭,૦૪,૮૮૭ આદિજાતી વસ્તી છે. જે પૈકી ૬,૮૯,૬૩૯ આદિજાતિ વસ્તી સહિત કુલ ૮,૬૬,૯૯૨ વ્યક્તિઓનું સિકલ સ્ક્રીનીંગ થયેલ છે, જેમાં ૪૬,૨૩૯ સિકલ વાહક અને ૧૮૧૪ સિકલસેલ ડીસીસનાં દર્દીઓ મળેલ છે. જૈ પૈકી આદિજાતિ વસ્તીમાંથી સિકલસેલ ડીસીસના ૧૭૧૮ તેમજ સિકલસેલ વાહકના ૪૨૩૭૫ દર્દીઓ મળેલ છે. તદઉપરાંત ૧,૭૭,૩૫૩ નોન ટ્રાયબલ વ્યકિતઓનું સ્ક્રીનીંગ કરવામાં આવેલ છે જૈ પૈકી સિકલસેલ ડીસીસના ૮૯ તેમજ સિકલસેલ વાહકના ૩૮૬૪ દર્દીઓ મળેલ છે.

આ ઉપરાંત સિકલસેલ વિભાગ દ્વારા દરેક સર્ગભા બહેનોનું સિકલસેલ સ્ક્રીનીંગ કરવામાં આવે છે. જે પૈકી સિકલ પોઝીટીવ આવે તેમનાં પતિનું પણ સિકલસેલ સ્ક્રીનીંગ કરવામાં આવે છે. જેમાંથી પોઝીટીવ આવેલ દંપતિનું ગર્ભ પરિક્ષણ મફત કરવામાં આવે છે. અત્યાર સુધી નવસારી જિલ્લામાં કુલ ૪૧૮ પોઝીટીવ દંપતિની તપાસ કરવામાં આવી છે. જે દરમ્યાન આજદિન સુધી ૪૫ નવા સિકલસેલ ડિસીઝનો જન્મ અટકાવી શક્યા છે.

શ્વસનતંત્ર જેવી ગંભીર બીમારી સામે સિકલસેલ ડિસીસ દર્દીઓને રક્ષણ મળી રહે તે માટે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા તમામ ૧૮૧૪ સિકલસેલ દર્દીને ઓને ન્યુ મોકોકલ વેકસીનથી રક્ષીત કરવામાં આવેલ છે. સિકલસેલ ડિસીઝના દર્દીઓને વારંવાર ક્રાઇસીસમાં જતા રોકવા માટે ૧૮૧૪ સિકલસેલ દર્દીઓ પૈકી વારંવાર બીમાર થતા દર્દીઓને હાયડ્રોક્સી યુરીયા કેપસ્યુલની સારવાર હેઠળ મુકવામાં આવ્યા છે.

સિકલસેલ દર્દીઓનું નિયમિત ફોલોઅપ કરતા રહેવાની જરૂરીયાત ઉભી થતી હોય છે. જેમાં સિકલસેલ કાઉન્સેલર્સ દ્વારા ડીસીસ દર્દીઓનું નિયમિત પણે મુલાકાત લઇ ટેબ.ફોલીક એસીડ, હાયડ્રોક્સી યુરીયા કેપસ્યુલ આપવામાં આવે છે.

આ ઉપરાંત સ્પેશ્યાલીષ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સમયાંતરે મેડીકલ કેમ્પમાં નિદાન અને સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. નિયમિત સમયે તાલુકા કક્ષાએ આયોજનબઘ્ઘ રીતે સિકલસેલ ડીસીસ દર્દીઓનો મેડીકલ કેમ્પ કરવામાં આવે છે. જેમાં આજ દિન સુધી કુલ ૧૭૮૨ સિકલ ડીસીસ દર્દીઓની ની તપાસણી કરવામાં આવી છે. આટલુ જ નહિ. આજદિન સુધી એવાસ્ક્યુલર નેકરોસીર્સના ૪૨ સફળ ઓપરેશનો પણ સફળતા પૂર્વક કરવામાં આવ્યા છે.

*નવસારી જિલ્લ્લાની નવી પહેલ સિકલ સેલ કોમ્પ્રરેહેન્સીવ ક્લીનીક રૂમલા: ક્લિનિક ખાતે દર માસના બીજા ગુરૂવારે બાળ રોગ નિષ્ણાંત (હિમેટોલોજીસ્ટ) દ્વારા મફત સેવા આપવામાં આવે છે*

સામુહિક આરોગ્ય કેન્દ્ર રૂમલા ખાતે કોમ્પરેહેન્સીવ ક્લીનીકમાં દર માસના બીજા ગુરૂવારે ૧૧.૦૦ થી ૧.૩૦ સ્પેશ્યાલીસ્ટ બાળ રોગ નિષ્ણાંત (હિમેટોલોજીસ્ટ) ડો.નિરવ બુચ દ્વારા મફત સેવા આપવામાં આવે છે જેમાં આજદિન સુધી ૭૮૪૦ નાગરિકોની પ્રાથમીક તપાસ કરવામાં આવેલ છે જે દરમ્યાન વઘુ સારવારની જરૂરીયાત ઘરાવતા ૨૬૯૫ પેશન્ટને ઇન્ડોર સારવાર, ૩૯૧ સિકલસેલ ડીસીસ પેશન્ટને બલ્ડ ટ્રાન્સ્ફ્યુઝન, ૫૪૨ પેશન્ટને  ઇમરજ્ન્સી સારવાર અને ૧૬૪ સિકલસેલ ડીસીસ પેશન્ટને હાયર લેવલે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

*બોક્ષ-૨*
*સિકલસેલ એનીમીયા શું છે.*
આપણા શરીરમાં રહેલ લોહીમાં લાલકણ ગોળ નરમ અને સ્થિતી સ્થાપક હોય છે. આ કણો સહેલાઈથી રક્તવાહિનીમાંથી પસાર થાય છે. આ કણો તંદુરસ્ત હોય છે, ત્યારે હિમોગ્લોબીન નામનું તત્વ સામાન્ય પ્રકારનું  હોય છે. જયારે આ તત્વનું પ્રમાણ અસામાન્ય પ્રકારનું થાય ત્યારે રક્ત કણ (લાલકણ)માં ફેરફાર થાય છે. અને દાતરડા આકારના તથા બરડ (સખ્ત) થઈ જાય છે. જે લોહીના ભ્રમણ વખતે રક્તવાહિનીમાં ફસાઈ જાય છે. ત્યા દુ:ખાવો શરૂ થાય છે અને રક્ત કણ  તૂટી જાય છે. અને લોહીનું પાણી થઈ જાય છે. જેને સિકલસેલ અનેમીયા કહે  છે.

આ ખામી ઊભી થતાં, હાથપગમાં દુખાવો થવો, કમરના સાંધામાં દુખાવો થવો, લોહીની ફીકાશ (પાંડુરોગ), વારંવાર કમળો થવો વિગેરે બાહ્ય લક્ષણો જોવા મળે છે. તબીબી તપાસમાં બરોળ મોટી થવી, લીવર (યકૃત) પર સોજો આવવો, મુત્રપિંડમાં બગાડ થવો, પિત્તાશયમાં પથરી થવી, બાહ્ય લક્ષણો સાથે આ લક્ષણો જોવા મળે તો તાત્કાલિક લોહીની તપાસ કરાવવી ખુબ જ જરૂરી છે.

*આ રોગ કેવી રીતે થાય છે અને તેના પ્રકાર*
આ રોગ વારસાગત અને જાતિગત છે. આ રોગ બે પ્રકારે જોવા મળે છે.
(૧) સિકલ સેલ વાહક (ટ્રેઈટ )
જેમાં માતા અથવા પિતા માંથી કોઈ એકનાજ રંગસુત્ર ખામી યુક્ત હોવાથી સામાન્ય સંજોગોમાં ભાવિ બાળકને કોઈ તકલીફ થતી નથી. પરંતુ પ્રતિકુળ પરિસ્થિતિમાં તકલીફ ઉદ્ભવી શકે છે. આવા બાળકો રોગનું વહન કરે છે. જેને તંદુરસ્થ વાહક કહેવાય છે. અને તે તેના ભાવિ બાળકને પણ વારસામાં આ ખામી યુક્ત રંગસુત્ર આપી શકે છે.

(૨) સિકલસેલ રોગ (ડીસીઝ).
જેમાં માતા-પિતા બંનેના રંગસુત્રો ખામીયુક્ત હોવાથી ભાવિ બાળક સિકલસેલ એનીમિયા નામના રોગ સાથે જન્મે છે.
આ બંને પરિસ્થિતિમાં માતાપિતા તરફથી બાળકોને વારસામાં મળે છે.

*ભાવિ સમસ્યા :*
સિકલસેલ એનીમિયા વારસાગત સમસ્યા છે. આ સમસ્યાનો પ્રસાર જીઓમેટ્રીક પ્રપોર્શનમાં દર વર્ષે વધવાની શક્યતા છે. અત્યારના તેના ફેલાવાને જોતા આવતા ૨૫ થી ૪૦ વર્ષોમાં લાખોથી વધુ બાળકો આ સમસ્યાનો ભોગ બનવાની અને તેનાથી મૃત્યુ પામવાની શક્યતા છે. લાખોથી વધુ વ્યક્તિઓ આવા ખામી યુક્ત રંગસુત્રોના વાહક (ટ્રેઈટ) અને સિકલસેલ રોગ (ડીસીઝ) બનવાની શક્યતા છે.

*આટલું ઘ્યાન અચુક રાખવુ :*
નવસારી જિલ્લામાં સિકલસેલનું નિદાન અને સારવાર તમામ સરકારી આરોગ્ય કેન્દ્ર ઉપર મફત તપાસ કરવામાં આવે છે.સિકલસેલ એનિમીયા થી ડરવાની જરૂર નથી જરૂર છે માત્ર  આ રોગ ને સમજવાની. સિકલસેલ એ વારસાગત રોગ હોવાથી જ્યાં સુધી લોહિની તપાસ ના કરવામાં આવે ત્યાં સુઘી આ રોગની જાણ થતી નથી. સિકલસેલ એનિમીયા હોવુ એ શરમ કે પરેશાની નથી પરંતુ આ રોગને છુપાવવોએ પરેશાનીનું કારણ બની શકે છે. જેથી નવસારી જિલ્લા તંત્ર દ્વારા સૌને જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે કે આવો સાથે મળીને સિકલસેલ અનિમીયા મુક્ત સમાજનું નિર્માણ કરીએ. અને સિકલસેલ એનિમીયા અંગે કોઇ મુંઝવણ હોય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,સરકારી દવાખાનામાં તબીબશ્રીનો સંપર્ક કરીએ.

Back to top button
error: Content is protected !!