Rajkot: રાજકોટ જિલ્લાના ૪૧ ગામો થશે નર્મદા નીરથી નવપલ્લવિત: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે “સૌની” યોજનાના રૂ. ૧૨૯.૬૭ કરોડના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત

તા.૨૬/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આ યોજના થકી અંદાજીત કુલ ૨૧૦૦ હેક્ટર જમીનને સિંચાઇના પાણીનો લાભ મળશે
સૌરાષ્ટ્રના ગામે-ગામ પાણી પહોંચાડવા રાજય સરકારે કર્યું છે નકકર આયોજન
સૌરાષ્ટ્રના દરિયાકિનારા વિસ્તારમાં ખારું પાણી ખેતર સુધી ન પહોંચે તે માટે વિયર બનાવવામાં આવશે
પાણી એ પારસમણિ અને વિકાસનો આધાર છે, તેનો વિવેકપૂર્ણ ઉપયોગ જરૂરી : મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા
Rajkot: ગુજરાત સરકારના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે, રાજકોટ તાલુકાના સરધાર ગામ ખાતે નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ આયોજિત કાર્યક્રમમાં “સૌની” યોજનાના રૂ. ૧૨૯.૬૧ કરોડના વિકાસ કાર્યોનું શાસ્ત્રોક્ત વિધિથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં સૌરાષ્ટ્રમાંથી ઉનાળાના સમયમાં પાણી ન મળતાં ખેડૂતો અને માલધારીઓએ હિજરત કરવી પડતી, અનેક બહેનો-દીકરીઓએ પીવાના પાણી માટે પણ દૂર-દૂર સુધી જવું પડતું ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી પદે આવતાં જ લોકોને પાણી માટે વલખા ન મારવા પડે તેવું આયોજન કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો હતો. જેના ફળ સ્વરૂપે પહેલાં નર્મદા ડેમ, ત્યાર બાદ કેનાલ અને ૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૪માં “સૌની યોજના” થકી સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણી લાવવાની યોજનાને અમલમાં મૂકી હતી.
આજે ચાર લિંક દ્વારા આ યોજના થકી સૌરાષ્ટ્રની ધરતીને હરિયાળી બનાવાઈ છે. “સૌની” યોજનાની લિંક-૧ દ્વારા મચ્છુ-૨થી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડેમ સુધી ૨૦૮ કિ.મી. લાંબી પાઇપલાઇન થકી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, તો લિંક-૨ દ્વારા લીંબડીના ભોગાવોથી અમરેલી સુધી ૨૯૯ કિલોમીટર, લિંક-૩ દ્વારા ધોળીધજા ડેમથી દ્વારકાના સોરઠી ડેમ સુધી ૨૯૯ કિ.મી. અને લિંક-૪ દ્વારા લીમડીના ભોગાવો ડેમ-૨ થી ગીર સોમનાથના હિરણ-૨ ડેમને ૫૬૫ કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વાર જોડવાની કામગીરી થઈ રહી છે.
આ સાથે જ મૂળ પાઇપલાઇનથી બંને બાજુ ત્રણ કિલોમીટર સુધીના વિસ્તારમાં આવતા કોઈ પણ બાકી રહેતા ડેમો, ચેકડેમ, તળાવને પણ આ યોજના સાથે જોડવામાં આવી રહ્યા છે. જે આયોજન અંતર્ગત જ લિંક-૩ માંથી ત્રંબા પાસે પંપીંગ સ્ટેશન ઊભું કરીને અલગ-અલગ ૩(ત્રણ) પાઇપલાઇન નેટવર્ક થકી રાજકોટ તાલુકાના ૩૦ ગામ, કોટડાસાંગાણી તાલુકાના ૮ ગામ અને જસદણ તાલુકાના ૩ ગામ મળી કુલ ૪૧ ગામોને સિંચાઇ માટે નર્મદાના નીર આપવા “સૌની” યોજના અંતર્ગત જોડવામાં આવશે. આ યોજના થકી અંદાજીત ૧૪૫.૧૬૪ કિલોમીટર લંબાઇની પાઇપલાઇન દ્વારા કુલ ૨૧૦૦ હેક્ટર (૫૧૯૦ એકર) જમીનને સિંચાઇના પાણીનો લાભ મળશે.
મંત્રીશ્રીએ સિંચાઈ વિભાગના વિવિધ પ્રકલ્પો વિશે વિસ્તાર સહ જણાવતાં ઉમેર્યું હતું કે, આ ઉપરાંત લિંક-૩ ના પેકેજ ૧ થી ૬ સાથે ૪૫.૪૧ કરોડના ખર્ચે મૂળી, થાનગઢ, વાંકાનેર, રાજકોટ, લોધિકા અને કોટડાસાંગાણીના ૬૪ ગામોના ચેકડેમ, તળાવને ભરવાની કામગીરી કરવામાં આવશે. તો લિંક-૪ ના પેકેજ ૧ થી પ માં રૂ. ૫૪.૨૬ કરોડના ખર્ચે સુરેન્દ્રનગરના ચુડા, સાયલા, બોટાદ જિલ્લાના બોટાદ, ગઢડા, અમરેલી જિલ્લાના બાબરા, રાજકોટ જિલ્લાના વિંછીયા, જસદણ અને ગોંડલ તાલુકાઓના ૬૫ મોટા તળાવ અને ચેકડેમને જોડવાની કામગીરી પણ આગામી સમયમાં હાથ ધરવામાં આવશે.
સૌરાષ્ટ્રના ગામે-ગામ પાણી પહોંચાડવા રાજય સરકારે નકકર આયોજન કર્યું છે તેમ જણાવી મંત્રીશ્રીએ કહ્યું હતું કે, સૌરાષ્ટ્રના પાંચાળ તેમજ સુરેન્દ્રનગરના અનેક સૂકા વિસ્તારમાં પાણી પહોંચાડવા માટે વિશેષ યોજનાઓનું આયોજન થઈ ચૂક્યું છે, સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકિનારા વિસ્તારમાં ખારું પાણી અંદર ન આવે તેમજ ખેતીને નુકસાન ન કરે તે માટે વિયર બનાવવામાં આવશે તેમ જણાવી મંત્રીશ્રીએ રાજ્યના સર્વાંગી વિકાસ સાથે રાજ્યનો પ્રત્યેક નાગરિક, તેનો ખેડૂત સમૃદ્ધ બને અને ૨૦૪૭માં વિકસિત રાષ્ટ્રમાં પોતાનું યોગદાન આપે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.
મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશીનું ઉત્તમ ઉદાહરણ “સૌની” યોજના છે, જેના થકી રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીના નીર ગામે-ગામ પહોંચ્યા છે. વડાપ્રધાન શ્રી મોદીએ દરિયામાં વહી જતા નર્મદાના પાણીને અટકાવવા, ડેમની ઊંચાઈ વધારીને ૧૩૮ મીટર કરાવવાનું નક્કર આયોજન કર્યું અને સૌરાષ્ટ્રના છેવાડા સુધી પાણી પહોંચાડવા મજબૂત વ્યવસ્થા કરી. હાલના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ શ્રી નરેન્દ્રભાઈના પાણીદાર અને સમૃદ્ધ સૌરાષ્ટ્રના અભિયાનને આગળ ધપાવી રહ્યા છે.
કવિ દાદે નર્મદા નદી પર રચેલી કવિતા “સૌની” યોજનાથી સાકાર થઈ છે. પાણી એ પારસમણિ અને વિકાસનો આધાર છે, જેનો વિવેકપૂર્ણ ઉપયોગ ખૂબ જરૂરી છે, ત્યારે ધરતીપુત્રો માટે “સૌની” યોજના નવા જીવનનો આરંભ છે, તેમ મંત્રી શ્રી ભાનુબેને ઉમેર્યું હતું. તેમજ ૪૧ ગામોમાં “સૌની” યોજના કાર્યરત કરવા માટે જહેમત ઉઠાવનારા શ્રી વાઘજીભાઈ મેવાસીયા સહિતના આગેવાનોની જહેમતને બિરદાવી હતી.
કાર્યક્રમમાં સાંસદશ્રી પરસોતમ રૂપાલાએ નર્મદા તથા સૌની યોજના માટેના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના વિશેષ પ્રયાસો વિશે જણાવતા કહ્યું હતું કે, નર્મદાના નીરનો લાભ સમગ્ર ગુજરાતને મળે તે માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દૂરંદેશીભર્યું આયોજન કરી વર્ષ ૨૦૦૧થી જ અથાક પ્રયત્નો દ્વારા ભગીરથ કાર્ય કર્યું છે. જેના ફળ સ્વરૂપે આજે લોકોને ઘર આંગણે તેમજ સિંચાઈ માટે નર્મદાનું પાણી મળી રહ્યું છે. આ સાથે જ સાંસદશ્રીએ ખેડૂતોને મા નર્મદાના નીરને પ્રસાદી સમજી તેના ટીપે ટીપાંનો ઉપયોગ કરી ઉત્તમ ખેતી કરવા અનુરોધ કર્યો હતો.
આ તકે અગ્રણી શ્રી ભરતભાઈ બોઘરાએ કહ્યું હતું કે, આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૧૨માં જોયેલા સ્વપ્નને સાકાર કરવા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ખૂબ પ્રયત્નો કરીને જન-જન સુધી નર્મદાના નીર પહોંચાડ્યા છે. ત્યારે ખેડૂતોએ સિંચાઈ માટે પાણીને વેડફ્યા વિના, યોગ્ય રીતે પ્રમાણસર તેનો ઉપયોગ કરવાનો જોઈએ.
આ કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટ્યથી કર્યા બાદ મહાનુભાવોનું ખાદીના રૂમાલ અને પુષ્પગુચ્છથી અભિવાદન કરાયું હતું. તેમજ મંત્રી શ્રી કુંવરજીભાઈનું ગ્રામીણ અગ્રણીઓએ સાફા, બંડી, શાલ, ફૂલહાર તથા સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલાનું શાલ અને સાફાથી સન્માન કર્યું હતું. મુખ્ય ઇજનેર અને અધિક સચિવ (સૌરાષ્ટ્ર) એચ. યુ. કલ્યાણીએ સ્વાગત પ્રવચનમાં કાર્યક્રમની રૂપરેખા જણાવી હતી. રાજકોટ સિંચાઈ યોજના વર્તુળના અધિક્ષક ઇજનેર શ્રી સી. પી. ગણાત્રાએ આભારવિધિ કરી હતી.
આ પ્રસંગે સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણી, અધિક્ષક ઇજનેર શ્રી પ્રેક્ષાબેન ગોસ્વામી, પૂર્વ સાંસદ શ્રી દેવજીભાઈ ફતેપરા, અગ્રણીઓ શ્રી લાખાભાઈ સાગઠીયા, શ્રી અર્જુનભાઈ ખાટરીયા, શ્રી ભાવેશભાઈ વેકરીયા, શ્રી રેખાબેન સગારકા, શ્રી બી. આર. મોકરીયા સહિત અધિકારીઓ, કર્મચારીઓ, આગેવાનો અને આજુબાજુના ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.
બોકસ
સૌની યોજનાનો લાભ મળવાપાત્ર ગામો
રાજકોટ તાલુકાના લોધીડા, કાથરોટા, પાડાસણ, લાખાપર, રાજસમઢીયાળા, અણીયાળા, સર, નવાગામ, ચિત્રાવાવ, ઢાંઢણી, ઢાંઢીયા, ડેરોઇ, ગોલીડા, સાજડીયાળી લીલી, સાજડીયાળી સુકી, ભુપગઢ, વડાલી, લોઠડા, સરધાર, ભંગડા, ભાયાસર, ખારચીયા, હલેન્ડા, હરિપર, મકનપર, બાડપર, ઉમરાળી, હોડથલી, રામપરા, હડમતીયા એમ કુલ ૩૦ ગામો, કોટડાસાંગાણી તાલુકાના પીપલાણા, ભાડુઇ, રાજપરા, નારણકા, ભાડવા, દેવળીયા, પાંચ તલાવડા, જુના રાજપીપળા એમ કુલ ૦૮ ગામો તેમજ જસદણ તાલુકાના બોધરાવદર (ફાડદંગ), ગઢડીયા, વીરનગર એમ કુલ ૦૩ ગામો મળીને કુલ ૪૧ ગામોના લોકોને “સૌની” યોજનાનો લાભ મળશે.











