આણંદ – સી.વી.એમ. કેડેટ્સે ની દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક દિવસ કેમ્પ 2026 માટે પસંદગી

આણંદ – સી.વી.એમ. કેડેટ્સે ની દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક દિવસ કેમ્પ 2026 માટે પસંદગી
તાહિર મેમણ – આણંદ – 20/01/2026 – સી.વી.એમ. યુનિવર્સિટી અને ૩૮ ગુજરાત બટાલિયન (38 GUJ BN) માટે અત્યંત ગૌરવના સમાચાર પ્રાપ્ત થયા છે. જાન્યુઆરી ૨૦૨૬માં નવી દિલ્હી ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાના પ્રતિષ્ઠિત પ્રજાસત્તાક દિવસ કેમ્પ (RDC) માટે સી.વી.એમ. યુનિવર્સિટીના બે તેજસ્વી કેડેટ્સની પસંદગી કરવામાં આવી છે. જે બદલ ચારુતર વિદ્યામંડળના ચેરમેન અને સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડન્ટ ભીખુભાઈ પટેલ, ઉપપ્રમુખ મનીષભાઈ પટેલ, માનદ મંત્રી એસ. જી. પટેલ, માનદ સહમંત્રી મેહુલભાઈ પટેલ તથા માનદ સહમંત્રી વિશાલભાઈ પટેલ અને CVM યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર (ડૉ.) ઇન્દ્રજિત પટેલ તથા રજિસ્ટ્રાર પ્રોફેસર (ડૉ.) સંદીપ વાલિયાએ અભિનંદન પાઠવ્યા હતા.
સમગ્ર ગુજરાત ડાયરેક્ટોરેટમાંથી અંદાજે 400જેટલા કેડેટ્સે ઇન્ટર ગ્રુપ કોમ્પિટિશન (IGC)માં ભાગ લીધો હતો, જેમાંથી કડક પસંદગી પ્રક્રિયા બાદ દિલ્હી જનારી ગુજરાતની ટીમમાં માત્ર 124 કેડેટ્સ સ્થાન પામ્યા છે. આ 124 કેડેટ્સમાં સી.વી.એમ. યુનિવર્સિટીના કેડેટ રાઠોડ ગુરુરાજ સિંહ (ADIT): પ્રાઇમ મિનિસ્ટર રેલી (PM Rally) અને યુથ એક્સચેન્જ પ્રોગ્રામ (YEP). તથા કેડેટ લાધાવાલા દેવ (GCET): પ્રાઇમ મિનિસ્ટર રેલી (PM Rally) અને યુથ એક્સચેન્જ પ્રોગ્રામ (YEP)માં ભાગ લેશે.
38 ગુજરાત બટાલિયનનું શાનદાર પ્રદર્શન: ગુજરાત ડાયરેક્ટોરેટની 124 કેડેટ્સની ટીમમાં 38 ગુજરાત બટાલિયનના કુલ 6 કેડેટ્સે સ્થાન મેળવ્યું છે, જે યુનિટની ઉત્કૃષ્ટ શિસ્ત અને તાલીમનો પુરાવો આપે છે. આ પસંદગી પામેલા કેડેટ્સ હવે દિલ્હી ખાતે યોજાનાર વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમોમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. ખાસ કરીને યુથ એક્સચેન્જ પ્રોગ્રામ (YEP) માટેની પસંદગી એ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરવાની એક સુવર્ણ તક છે.
સી.વી.એમ. યુનિવર્સિટીના એન.સી.સી. ઓફિસર ડૉ. એસ. કે. સિંઘે કેડેટ્સની આ સિદ્ધિને બિરદાવતા જણાવ્યું હતું કે, “આ કેડેટ્સની મહેનત અને શિસ્તનું પરિણામ છે. સેંકડો કેડેટ્સ વચ્ચે સ્પર્ધા કરીને રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામવી એ યુનિવર્સિટી, સમગ્ર ચરોતર પ્રદેશ અને રાજ્ય માટે ગૌરવની વાત છે.” આ ભવ્ય સફળતા બદલ સી.વી.એમ. યુનિવર્સિટીના હોદ્દેદારો, ગવર્નિંગ બોડીના સભ્યો, બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને 38 ગુજરાત બટાલિયન દ્વારા કેડેટ્સને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.





