GUJARATPANCHMAHALSHEHERA

પી. એમ. શ્રી કેન્દ્રિય વિધ્યાલય, ગોધરા ખાતે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા કૃષિ શિક્ષણ અને ગ્રીન સ્કૂલ વિષયક સેમિનાર યોજાયો

 

પંચમહાલ ગોધરા

નિલેશભાઈ દરજી શહેરા

આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ હસ્તકની કૃષિ ઇજનેરી અને ટેક્નોલોજી કોલેજ, ગોધરા દ્વારા પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના અબ્રાહમ પટેલના મુવાડા ખાતે આવેલ પી. એમ. શ્રી કેન્દ્રિય વિધ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે એક વિશેષ કારકિર્દી માર્ગદર્શન અને ‘ગ્રીન સ્કૂલ’ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. કે. બી. કથીરિયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

 

આ સેમિનારમાં વિદ્યાલયના ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતા કુલ ૫૦ જેટલા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ ઇજનેરી કોલેજના આચાર્ય અને વિદ્યાશાખા અધ્યક્ષ ડૉ. શિવામૂર્તિ શ્રીવાસ્તવે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં કૃષિ ક્ષેત્ર માત્ર ખેતી પૂરતું મર્યાદિત નથી, પરંતુ બાયોટેકનોલોજી અને કૃષિ-ટેકનોલોજીના સમન્વયથી આ ક્ષેત્રમાં વિપુલ તકો રહેલી છે. તેમણે યુનિવર્સિટી દ્વારા ચાલતા વિવિધ ડિપ્લોમા અને સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો તથા તેમાં રહેલી રોજગારીની નવીન ભૂમિકાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

 

પર્યાવરણ સુરક્ષા અને ઉર્જા બચતના મહત્વ પર પ્રકાશ પાડતા આર. ઇ. ઇ. વિભાગના વડા ડૉ. ડી. કે. વ્યાસે ‘ગ્રીન સ્કૂલ’ વિશે માહિતગાર કર્યા હતા. તેમણે પ્રદૂષણ નિયંત્રણ, પુનઃ પ્રાપ્ય ઉર્જાના ફાયદા અને જળ સંચય (વોટર હાર્વેસ્ટિંગ) જેવી પદ્ધતિઓ અપનાવી શાળા અને સમાજને પર્યાવરણલક્ષી બનાવવાની હાકલ કરી હતી.

 

સેમિનારના અંતિમ ચરણમાં મદદનીશ પ્રાધ્યાપક ડૉ. જે. શ્રવણકુમારે કેરિયર કાઉન્સેલિંગ સેશન દ્વારા વિદ્યાર્થીઓને તેમની રુચિ મુજબ ભવિષ્યનું આયોજન કેવી રીતે કરવું અને લક્ષ્ય પ્રાપ્તિ માટે કેવી તૈયારીઓ કરવી તે અંગે સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે અત્યંત માહિતીપ્રદ રહ્યો હતો.

 

Back to top button
error: Content is protected !!