AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

અમદાવાદ ખાતે ‘પત્રકારત્વની વિસ્તરતી ક્ષિતિજો’ વિષય પર ‘ માહિતી કચેરી અને પ્રેસ અકાદમી દ્વારા યોજાયો સેમિનાર

‘સર્જક સાથે સંવાદ’ સેમિનારમાં  ન્ન્યૂયુઝ પેપરથી ન્યુઝ પોર્ટલ સુધીના પત્રકારત્વના બદલાતા પ્રવાહો વિશે વરિષ્ઠ તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યા

જામનગર / અમદાવાદ (ભરત ભોગાયતા)

ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA) ખાતે ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ અંતર્ગત ‘પત્રકારત્વની વિસ્તરતી ક્ષિતિજો: ન્યૂઝપેપરથી ન્યૂઝપોર્ટલ સુધી’ વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય પત્રકારત્વના ક્ષેત્રમાં આવી રહેલા આધુનિક પરિવર્તનો અને ડિજિટલ યુગના પડકારો વિશે ભાવિ પત્રકારોને અવગત કરાવવાનો હતો. સેમિનારમાં પત્રકારત્વના વર્તમાન પ્રવાહો અને ટેકનોલોજીના કારણે માધ્યમોમાં આવેલા બદલાવ વિશે સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી.

આ અવસરે વરિષ્ઠ પત્રકાર અને મીડિયા તજ્જ્ઞ શ્રી નરેશ દવેએ પત્રકારત્વના મૂલ્યો વિશે વાત કરતા જણાવ્યું હતું કે, માધ્યમ ભલે બદલાય પરંતુ ‘કન્ટેન્ટ ઇઝ કિંગ’ (Content is King). તેમણે સ્પષ્ટ કર્યું કે ન્યૂઝપેપર હોય કે ન્યૂઝ પોર્ટલ, જો તમારું કન્ટેન્ટ મજબૂત અને સત્યતાસભર હશે તો જ તમે આજના સ્પર્ધાત્મક યુગમાં ટકી શકશો.

સોશિયલ મીડિયાના ફાયદા જણાવતા શ્રી દવેએ કહ્યું કે, આ માધ્યમે સામાન્ય માણસને પણ પોતાનો અવાજ રજૂ કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે, પરંતુ તેની સાથે જવાબદારી પણ વધી છે. તેમણે વિદ્યાર્થીઓને ખાસ અનુરોધ કર્યો કે પત્રકારત્વમાં ‘રાઈટિંગ સ્કિલ’ અને ‘ભાષાની સજ્જતા’ અનિવાર્ય છે, કારણ કે લખેલું હંમેશા વંચાય છે અને તે લાંબા સમય સુધી પ્રભાવ છોડે છે.

વધુમાં, તેમણે આજના સમયમાં ફેલાતી ‘મિસ-ઇન્ફોર્મેશન’ અને ‘ડિસ-ઇન્ફોર્મેશન’ (ભ્રામક માહિતી) સામે લાલબત્તી ધરતા જણાવ્યું હતું કે, કોઈપણ સમાચારને ક્રોસ-ચેક કર્યા વગર આગળ ધપાવવા જોઈએ નહીં. તેમણે એઆઈ (AI) દ્વારા બનતી ખોટી ઈમેજો અને સોશિયલ મીડિયા પર થતા તેના દુરુપયોગ વિશે ચિંતા વ્યક્ત કરી હતી.

શ્રી દવેએ પત્રકારત્વના વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા કહ્યું કે, જો તમારા એક રિપોર્ટથી સમાજમાં સકારાત્મક બદલાવ આવે, જેમ કે કોઈ ગામમાં પુલ બને કે કોઈ જરૂરિયાતમંદને સરકારી સહાય મળે, તો જ તમારું પત્રકારત્વ સાર્થક ગણાશે. તેમણે અંતમાં જણાવ્યું કે કન્ટેન્ટના સર્જક તરીકે તમે જેટલા મજબૂત હશો, એટલું જ તમારું પત્રકારત્વ તેજસ્વી બનશે.

વરિષ્ઠ સંપાદક અને પત્રકાર શ્રી અજય નાયકે પત્રકારત્વના બદલાતા માધ્યમો વચ્ચે અખબારની વિશ્વસનીયતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, ભલે આજે ટીવી, સોશિયલ મીડિયા અને ન્યૂઝ પોર્ટલ્સનો વ્યાપ વધ્યો હોય, પરંતુ અખબાર આજે પણ પત્રકારત્વનો મજબૂત પાયો છે.

તેમણે ‘ન્યૂઝ’ને પત્રકારત્વનો મુખ્ય ઘટક ગણાવતા કહ્યું કે, માધ્યમ ભલે બદલાય પરંતુ જે પીરસવામાં આવે છે તેની ગુણવત્તા અને વિશ્વસનીયતા સૌથી વધુ મહત્વ ધરાવે છે. અખબારોની વિશેષતા સમજાવતા તેમણે ઉમેર્યું કે, જ્યારે ડિજિટલ મીડિયામાં ઝડપનું મહત્વ છે, ત્યારે અખબારો પાસે ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ (In-depth reporting) અને સત્યતાની ચકાસણી કરવાની તક અને જવાબદારી છે.

પત્રકારત્વના વિદ્યાર્થીઓને વ્યવહારુ માર્ગદર્શન આપતા શ્રી નાયકે જણાવ્યું હતું કે, કારકિર્દીની શરૂઆતમાં કોઈપણ મેગેઝીન કે સમાચાર પત્રમાં ઓછામાં ઓછું એક વર્ષ પાયાનું કામ કરવું જોઈએ, જેનાથી વિષયની સમજ અને સંવાદની કળા વધુ સુદ્રઢ બને છે. આજના ‘ઇન્ફોર્મેશન ઓવરલોડ’ના યુગમાં અખબારોની ભૂમિકા હવે માત્ર સમાચાર આપવા પૂરતી નહીં, પરંતુ ઘટનાઓના વિસ્તૃત એક્સપ્લેનેશન (વિશ્લેષણ) આપવાની છે, જે તેની વિશ્વસનીયતા ટકાવી રાખશે એમ તેમણે ઉમેર્યું હતું.

ગાંધીનગરના સંયુક્ત માહિતી નિયામક શ્રી ડૉ. સંજય કચોટે પત્રકારત્વના બદલાતા પ્રવાહો અને આંકડાકીય વિગતો પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, પત્રકારત્વ હવે માત્ર એક મિશન કે વ્યવસાય (Profession) પૂરતું સીમિત ન રહેતા એક મોટા વ્યવસાય (Business) તરીકે પણ ઉભરી રહ્યું છે.

તેમણે જણાવ્યું કે ૧૭૮૦માં ‘બંગાળ ગેઝેટ’થી શરૂ થયેલી સફર આજે ૨.૩ ટ્રિલિયન રૂપિયાની મીડિયા અને એડવર્ટાઇઝિંગ ઇકોનોમી સુધી પહોંચી છે. ભારતમાં હાલમાં ૯૦૦થી વધુ ટીવી ચેનલો અને અસંખ્ય ઓનલાઇન રેડિયો સ્ટેશનો કાર્યરત છે, જે માધ્યમોના વ્યાપક વિસ્તારને દર્શાવે છે. પત્રકારત્વના વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કહ્યું કે, સમાચાર હવે એક ‘પેરિસેબલ પ્રોડક્ટ’ બની ગઈ છે, જેનું આયુષ્ય ખૂબ ટૂંકું છે, તેથી તેની પ્રસ્તુતિ અને સચોટતા ખૂબ મહત્વની છે.

વધુમાં, સોશિયલ મીડિયાના પ્રભાવ વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે, ભારતમાં અંદાજે ૯૦ કરોડ મોબાઈલ ધારકોમાંથી ૭૨ કરોડ લોકો સોશિયલ મીડિયા પર સક્રિય છે, જેમાંથી મોટો વર્ગ ન્યૂઝ કન્ઝમપ્શન માટે આ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરે છે.  આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ચેટ-જીપીટી (ChatGPT) જેવા આધુનિક સાધનોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, ટેકનોલોજીનો ઉપયોગ જરૂર કરવો જોઈએ, પરંતુ પત્રકારત્વના મૂળભૂત સિદ્ધાંતો અને ‘નેશન બિલ્ડિંગ’ (રાષ્ટ્ર નિર્માણ) ના લક્ષ્યને ક્યારેય ભૂલવું ન જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને વિનંતી કરી કે તેઓ માહિતીના સાચા સ્ત્રોતનો ઉપયોગ કરે અને ટેકનોલોજીની સાથે માનવીય વિવેકબુદ્ધિ અને રેશનલ વિચારસરણીને જાળવી રાખે.

ગુજરાત પ્રેસ અકાદમીના સચિવ શ્રી જયેશ દવેએ આ પ્રસંગે માઇન્ડસેટ (વિચારશૈલી) અને સજ્જતા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, ટેકનોલોજીના આ યુગમાં આપણી પાસે ભૌતિક સાધનો તો ઘણા છે, પરંતુ જો યોગ્ય ‘માઇન્ડસેટ’ નહીં હોય તો તે સાધનો નિરર્થક છે.

તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે, પત્રકારત્વના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા મેળવવા માટે ‘તાનસેન’ બનતા પહેલા ‘કાનસેન’ બનવું જરૂરી છે, એટલે કે એક સારા પત્રકારે સાંભળવાની અને શીખવાની ક્ષમતા કેળવવી જોઈએ. ટેકનોલોજી તો બદલાતી રહેશે, પરંતુ જ્યારે માધ્યમોનું સ્વરૂપ બદલાય ત્યારે પત્રકારે પોતાની સજ્જતા અને કૌશલ્યને પણ તે મુજબ અપગ્રેડ કરવા પડશે.

વધુમાં તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગના પડકારો વિશે વાત કરતા ઉમેર્યું હતું કે, મશીન ક્યારેય માનવીય સંવેદના અને સમજણનો વિકલ્પ બની શકતું નથી. મશીનની મર્યાદાઓ સમજાવતા તેમણે ફેસબુકના અનુવાદમાં થયેલી ટેકનિકલ ભૂલોના ઉદાહરણો ટાંકીને જણાવ્યું કે, પત્રકારત્વમાં ભાષાની ચોકસાઈ અને વિષયની ઊંડી સમજ અનિવાર્ય છે.

તેમણે રતન ટાટાના સુવિચારને ટાંકતા અંતમાં જણાવ્યું હતું કે, જેમ લોખંડને તેનો પોતાનો કાટ જ નષ્ટ કરી શકે છે, તેમ વ્યક્તિના વિકાસમાં પણ તેનો માઇન્ડસેટ સૌથી મહત્વનો ભાગ ભજવે છે. ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓના આ માઇન્ડસેટને વૈચારિક સંવાદ દ્વારા વધુ સુદ્રઢ બનાવવાનો છે.

કાર્યક્રમના પ્રારંભમાં મુખ્યમંત્રીશ્રીના મીડિયા રિલેશન ઑફિસર અને પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદના નાયબ માહિતી નિયામક શ્રી હિમાંશુ ઉપાધ્યાયે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું કે, ગુજરાત પ્રેસ અકાદમીના ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમનો મુખ્ય હેતુ પત્રકારત્વના વિદ્યાર્થીઓ અને અનુભવી પત્રકારો વચ્ચે વિચારોનું આદાન-પ્રદાન વધારી નવી પેઢીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવાનો છે. અમદાવાદ માહિતી ખાતા દ્વારા આયોજિત આ સેમિનાર ભાવિ પત્રકારો માટે એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ સાબિત થશે.

પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદના સંયુક્ત માહિતી નિયામક શ્રી અમિત ગઢવીએ આ તકે આભારવિધિ કરતા સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. ભવિષ્યમાં આવા વધુ સાર્થક સંવાદોના આયોજન થકી ભાવિ પત્રકારોને મદદરૂપ થવાનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

 

આ સેમિનારમાં પત્રકારત્વના વિવિધ પાસાઓ જેવા કે સમાચારની વિશ્વસનીયતા, ન્યૂઝ પોર્ટલની વધતી જતી ભૂમિકા અને સોશિયલ મીડિયાના યુગમાં પત્રકારત્વની નૈતિકતા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના પત્રકારત્વ વિભાગના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓએ વક્તાઓ સાથે પ્રશ્નોત્તરી કરી પોતાની જિજ્ઞાસા સંતોષી હતી.

આ સેમિનારમાં  પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદ સહિત માહિતી વિભાગના પદાધિકારીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ, પત્રકારત્વ સાથે સંકળાયેલી શૈક્ષણિક સંસ્થાઓના વડાઓ, પ્રાધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

_______________________

–રીગાર્ડઝ

ભરત જી.ભોગાયતા—-પત્રકાર

B.sc.,L.L.B.,d.n.y.(GAU) journalism(hindi), Industrial relation & personnel management (dr. Rajendraprasad university-mumbai)

 

જામનગર- રામેશ્ર્વરનગર 361008/અમદાવાદ-બોપલ- ૩૮૦૦૫૮

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!