Rajkot: વિંછીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયેલા સિનિયર સિટીઝન સાધન સહાય કેમ્પનો ૧૫૫૭ વરિષ્ઠ નાગરિકોએ લાભ લીધો

તા.૧૫/૬/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લાના વિંછીયામાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સિનિયર સિટીઝન સાધન સહાય કેમ્પ યોજાયો હતો. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ વરિષ્ઠ નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ પૂરો પાડવાનો હતો. આ કેમ્પમાં કુલ ૧૫૫૭ દર્દીઓએ લાભ લીધો હતો અને વિવિધ યોજનાઓ હેઠળ સહાય મેળવી હતો.
એલિમ્કો કંપની દ્વારા ૩૬૨ લાભાર્થીઓનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૩૪૮ વ્યક્તિઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આવકના દાખલા કાઢી આપવામાં આવ્યા હતા. ૧૬ લાભાર્થીઓને એસ.ટી. વિભાગની યોજનાઓની સમજ આપવામાં આવી હતી. ૮૦ જેટલા વડીલોની બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ માટે આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. ૨૦૫ લોકોને ઉંમરના દાખલા કાઢી આપવામાં આવ્યા હતા. ૪૩૮ લોકોને ક્ષય, મેલેરિયા જેવા રોગો અંગે જાણકારી આપતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ૫૬ વડીલોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા, જે તેમને ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ મેળવવામાં મદદરૂપ થશે.
૧૬ વડીલોને નિરાધાર વૃદ્ધ સહાય યોજનાના ફોર્મ સ્થળ પર ભરાવી આપવામાં આવ્યા હતા. ૩૬ વ્યક્તિઓને આધાર કાર્ડ સંબંધિત સેવાઓ, જેમ કે નવા કાર્ડ બનાવવા, સુધારા કરાવવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. આરોગ્ય શાખાના સ્ટાફે આ કેમ્પને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.






