ભરૂચના કંથારિયા ગામ પાસે 4 વાહનો વચ્ચે ગંભીર અકસ્માત, હાઇવા, કાર, રિક્ષા અને એકટીવા અથડાતા 5 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત, એકનું મોત


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ તાલુકાના કંથારીયા પાસે આજે અકસ્માતની ઘટના સામે આવી છે. બેકાબૂ બનેલા ડમ્પરે રીક્ષા, કાર અને મોપેડને ટક્કર મારી હતી. જેથી અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોપેડચાલક અરુણ અરવિંદભાઈ રાઠોડને ગંભીર ઈજાઓ થતાં મોત નિપજ્યું છે. જ્યારે પાંચથી વધુ લોકોને ઈજા પહોંચી છે. જેને પગલે તેઓને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. બીજી તરફ આ અકસ્માત સર્જી ડમ્પર ચાલક સ્થળ પરથી ફરાર થયો છે. તાલુકા પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ, ભોલાવ સ્થિત ડેરા તલાવડી વિસ્તારમાં રહેતા અજય ગોવિંદ રાઠોડ પોતાની પત્ની સોનલ રાઠોડ અને સાસુ શારદા સંજયભાઈ રાઠોડ સાથે રીક્ષા લઈને ભોલાવથી દેરોલ જઈ રહ્યા હતા. તે દરમિયાન કંથારીયા દલાલ સ્ટ્રીટ પાસે એક ડમ્પર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા રિક્ષા તેમજ મોપેડ અને કારને એક પછી એક ટક્કર મારી હતી. આ ટક્કરના પ્રભાવથી રીક્ષા પલટી ગઈ હતી, જેમાં સવાર તમામ લોકોને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં મોપેડ ચાલક અરુણ અરવિંદભાઈ રાઠોડને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. અકસ્માત સર્જી ડમ્પર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા ફરાર ડમ્પર ચાલકને ઝડપી પાડવા માટે કવાયત તેજ કરવામાં આવી છે.




