અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા નજીક મોરા ડુંગર વિસ્તારમાં ભયંકર આગ, વનરાઈને ભારે નુકસાન
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના વણીયાદ નજીક આવેલા મોરા ડુંગર વિસ્તારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અચાનક લાગેલી આગે થોડા સમયમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ડુંગર વિસ્તારની વનરાઈને ભારે નુકસાન પહોંચ્યું હતું.આગની જાણ થતાં વન વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે કામગીરી શરૂ કરી હતી. ડુંગરાળ વિસ્તાર અને સૂકા ઝાડ-ઝાંખરાના કારણે આગ ઝડપથી ફેલાતી હોવાથી આગ બુઝાવવા મુશ્કેલી પડી રહી હતી.
આગના કારણે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને ધુમાડા અને ગરમીના કારણે હાલાકી ભોગવવી પડી હતી. થોડા સમય માટે માર્ગ પર વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.ઉલ્લેખનીય છે કે ડુંગર વિસ્તારમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોવાથી વન સંપત્તિના સંરક્ષણ અંગે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.





