Rajkot: એકરંગ સંસ્થાની ૩૦ મનોદિવ્યાંગ દીકરીઓને સિલાઈ તથા બ્યુટીપાર્લરની તાલીમ અપાઈ

તા.૧/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
૩૦ દીકરીઓએ કોર્સ પૂર્ણ કરતા પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો
Rajkot: રાજકોટમાં ૮૦ ફૂટ રોડ પર અમૂલ સર્કલ પાસે આવેલી એકરંગ સંસ્થાની ૩૦ મનોદિવ્યાંગ દીકરીઓને એન.એસ.આઈ.સી. ટેકનિકલ સેન્ટર રાજકોટના સહયોગથી સિવણ તથા બ્યુટીપાર્લરના કોર્સની વ્યાવસાયિક તાલીમ પૂરી પાડવામાં આવી છે. આ કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કરનારી મનોદિવ્યાંગ દીકરીઓનો સન્માન સમારોહ તથા પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ ગતરોજ યોજવામાં આવ્યો હતો જેમાં દિવ્યાંગોના સશક્તિકરણ અને આત્મનિર્ભરતા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય મનોદિવ્યાંગ દીકરીઓને કૌશલ્યવાન બનાવી તેમને સમાજમાં સન્માનજનક સ્થાન પ્રાપ્ત કરવામાં મદદ કરવાનો હતો. આ અવસરે સંસ્થાના પ્રમુખ સુશ્રી દીપીકાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ૧૩૦ મનોદિવ્યાંગ દીકરીઓને વિનામૂલ્યે તાલીમ, શિક્ષણ, મેડિકલ, વિવિધ થેરાપી, અર્લી ઈન્ટરવેન્શન પ્રોગ્રામ, ભોજન અને ઈત્તરપ્રવૃત્તિ દ્વારા સર્વાંગી વિકાસ કરવાની નેમ લીધી છે.
આ કાર્યક્રમમાં જનરલ મેનેજર તથા સેન્ટર હેડ શ્રી ઉપેન્દ્રકુમાર કોહલી, એન.એસ.આઈ.સી. રાજકોટના ચીફ મેનેજર સુભાશીષ દાસ, એકરંગ સંસ્થાના ટ્રસ્ટીઓ, સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.




