
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં મુખ્યમથક આહવા ખાતે અક્ષય તૃતીયાનાં શુભદિને શાસ્ત્રોકત વિધિ વિધાને સાધુ સંતો મહંતોની ઉપસ્થિતમાં ડૉ. હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા નવનિર્મિત માઁ શબરી ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.
ડાંગ જિલ્લાનાં પાંચેય રાજવીઓનાં અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે ઉપસ્થિત ડાંગના રાજવી ધનરાજસિંહ સૂર્યવંશીએ જણાવ્યુ હતુ કે ડાંગ જિલ્લાની ભાવી પેઢીના માટે શિક્ષણમાં ફેરફાર કરવાની તાતી જરૂરત છે.વર્તમાન શિક્ષણમાં પુરાતન અને સનાતન સંસ્કૃતિ ને ધ્યાનમાં રાખવુ જરૂરી બન્યુ છે.હાલના સમયમાં રામાયણ અને ભગવદ્ ગીતાના પાઠ્યપુસ્તકોનો સમાવેશ કરી ભારતના તમામ વિદ્યાલયોમાં ભાવિ પેઢીને સંસ્કૃતિ અને પ્રકૃતિ પૂજનની સાથે સંસ્કારનું પણ સિંચન થાય તેમ જણાવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં ડાંગ વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ અને ડાંગ જિલ્લાનાં ધારાસભ્ય વિજયભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પશ્ચિમ વિભાગના સંઘ સંચાલક ડૉ.જયંતિભાઈ ભાડેસિયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ માત્ર ભવન નથી આ ભવનમાં જિલ્લામાં રહેતા તમામ આદિવાસી સનાતન ધર્મ પ્રેમીઓનો ભાવ વસેલો છે.આપણે સૌ મા શબરીના સંતાન છે. મા શબરી પોતાના લગ્ન થવાના હતા એનો ત્યાગ કરીને ભગવાન શ્રીરામ આવશે એવા ભાવ સાથે આતુરતાથી રાહ જોઈને બેઠા હતા.એવો વિશ્વાસ અને દ્રઢ ભાવ જોઈને ભગવાન શ્રીરામ પણ માતા શબરીને મળવા આવ્યા હતા અને માતા શબરીએ ચાખી ચાખી અંતરભાવથી મીઠા બોર ખવડાવ્યા હતા.આપણે સૌ શબરી માતાનાં વંશજો છીએ જે આપણા માટે ગર્વ છે.વધુમાં આપણા અમુક પરિવાર રસ્તો ભટકી ગયા છે.જે રસ્તો ભટકેલ પરિવારોએ ચિંતન કરવાની જરુર છે.આ લોકાર્પણ પ્રસંગે આ ભવનનાં બાંધકામમાં સહયોગ કરતા દાનવીર દાતા વિમલજી પોદ્દાર,ઘનશ્યામભાઈ ક્યાડા, શૈલેષભાઈ (જે.કે.સ્ટાર),મનિષભાઈ જીવાણી,અનિલજી રૂંગટા, કિશોરભાઈ ડી.સાવજ સહિત ડાંગ જિલ્લાનાં દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અહી ડૉ હેડગાવર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ અને શ્રીફળ આપી સ્વાગત કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો..







