૧૧ વર્ષીય માનવ પટેલની અનોખી સિદ્ધિ: ભારતીય અંડર-14 ફુટબોલ ટીમમાં પસંદગી
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતા ૧૧ વર્ષીય માનવ પટેલે અંડર-14 ભારતીય ફુટબોલ ટીમમાં સ્થાન મેળવી ગુજરાત અને રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. માત્ર ત્રણ વર્ષની મહેનત અને નિષ્ઠાથી માનવે આંતરરાષ્ટ્રીય ફુટબોલમાં પગલાં માંડ્યાં છે.
મૂળ પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ગણેશપુર ગામના વતની માનવ પટેલે ફુટબોલની શરૂઆત આઠ વર્ષની ઉંમરે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત સમર કેમ્પમાંથી કરી હતી. તે સમયથી તેણે દૈનિક પાંચથી છ કલાક સતત પ્રેક્ટિસ કરી પોતાનો રમતગીરીય પાયો મજબૂત બનાવ્યો. કોચ અર્જુનસિંહ ભદોરીયાએ માનવની કુશળતા ઓળખી અને તેની તાલીમ શરૂ કરી, જે આજે સફળતાનું સ્વરૂપ બની છે.
માનવે અત્યાર સુધી અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. ૧૬ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ તેણે Adani Gandhinagar Blue Cubs League U-12 ટૂર્નામેન્ટમાંથી પોતાની કારકિર્દી શરૂ કરી. ત્યારથી તેણે Megamani Cup, ARA Cup, OMMFC Cup, Gujarat Titans Cup, Rising Sun Cup, APS Cup, K K Vithani Baroda Cup જેવી અનેક ટૂર્નામેન્ટમાં ભાગ લીધો છે.
રાષ્ટ્રીય સ્તરે, માનવે જયપુર, ગોવા, બેંગ્લોર, નાસિક અને મુંબઈ જેવા શહેરોમાં ફુટબોલ ટૂર્નામેન્ટમાં ભાગ લઈને પોતાનું કૌશલ્ય સાબિત કર્યું છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે, Asian Football 7 League (Phuket, Thailand, October 2024) માં રમીને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.
માનવ હાલમાં આર.પી. વસાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરી રહ્યો છે. સ્કૂલના સંપૂર્ણ સહયોગ અને પરિવારના પ્રોત્સાહનને કારણે જ માનવ આ સપનાને સાકાર કરી શક્યો.
માનવના પિતા કિરણભાઈ પટેલ વ્યવસાયે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, જ્યારે માતા ગૃહિણિ છે. પરિવારના કોઈપણ સભ્યનું ક્યારેય રમતગમત સાથે સીધું સંબંધ ન હોવા છતાં, માત્ર પોતાની મહેનત અને ઉર્જાથી માનવે દસ હજારથી વધુ સ્પર્ધકોમાંથી પસંદગી મેળવી, ભારતીય ફુટબોલ દળમાં સ્થાન મેળવ્યું છે.