
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
શામળાજી પોલિસે મોટી માત્રામાં દારૂ ઝડપ્યો, ટ્રકમાં પંખાની આડમાં લવાતો 25 લાખના દારૂ સાથે 1 ને દબોચ્યો
અરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે પોલીસે દારૂના કાળા ધંધા સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. શામળાજી અણસોલ બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસે ચેકિંગ દરમિયાન એક ટ્રકમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
માહિતી મુજબ ટ્રકની અંદર ઇલેક્ટ્રોનિક પંખાઓની આડમાં દારૂની પેટીઓ છુપાવીને ગુજરાત તરફ લાવવામાં આવી રહી હતી. પોલીસે સાવચેતીપૂર્વકની તપાસ હાથ ધરી ત્યારે ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની કુલ 225 પેટી દારૂ મળી આવી હતી. તેની બજાર કિંમત અંદાજે 25 લાખ રૂપિયા કરતા વધુ ગણાય છે.પોલીસે આ કાર્યવાહી દરમ્યાન એક આરોપીને ઝડપી પાડ્યો છે. સાથે જ ટ્રક, પંખા અને દારૂ સહિતનો કુલ 93 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે. શામળાજી પોલીસે આ મામલે પ્રોહીબિશન અધિનિયમ હેઠળ ગુન્હો નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.આ ઘટનાએ ફરી એકવાર ચિતાર્યું છે કે રાજ્યમાં દારૂની હેરફેર માટે વિવિધ કાવતરાઓ અપનાવવામાં આવે છે, પરંતુ બોર્ડર પરની કડક ચેકિંગના કારણે પોલીસને સતત સફળતા મળી રહી છે.





