નવસારી જિલ્લાકક્ષા યુથ એસેમ્બલી કાર્યક્રમમાં શિવાની સિસોદિયા પ્રથમ ક્રમે; રાજ્ય કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા ૧૫ થી ૨૯ વર્ષના યુવક–યુવતીઓ માટે નવસારી જિલ્લાકક્ષા યુથ એસેમ્બલી કાર્યક્રમ ૨૦૨૫–૨૬નું આયોજન આશ્રમશાળા ભક્તાશ્રમના સહયોગથી કરવામાં આવ્યું હતું. સ્પર્ધકોમાં પ્રથમ ક્રમ મેળવનાર શિવાની સિસોદિયા રાજ્યકક્ષાએ યોજાનાર યુથ એસેમ્બલી સ્પર્ધામાં ભાગ લઈ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
યુવાઓમાં લોકશાહી પદ્ધતિ, વિધાનસભાની કાર્યપ્રણાલી તથા સંસદીય પરંપરાઓ વિશે જાગૃતિ વધે અને તેમના વક્તૃત્વ, ચર્ચા તથા નેતૃત્વના ગુણોનો વિકાસ થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં નવસારી જિલ્લાની ચારેય વિધાનસભા બેઠકોમાંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર સ્પર્ધકોએ જિલ્લાકક્ષાએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન સ્પર્ધકોએ વિવિધ સામાજિક, શૈક્ષણિક અને વિકાસલક્ષી મુદ્દાઓ પર સંસદીય શૈલીમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા. જિલ્લાકક્ષાની આ સ્પર્ધામાં શિવાની સિસોદિયા પ્રથમ ક્રમે, કશિશ શાહ દ્વિતીય ક્રમે અને હર્ષિતા શ્રીમાળી તૃતીય ક્રમે વિજેતા રહ્યા હતા. વિજેતાઓને અભિનંદન પાઠવી પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.




