કાયદા સાથે સંઘર્ષમાં આવેલા બાળ કિશોરો દ્રારા દિવાળી નિમિત્તે 7500 જેટલાં દીવડાઓ બનાવવામાં આવ્યા.
મહેસાણા ઝોનલ ઓબ્ઝર્વેશન હોમમાં નવતર પ્રયોગ હાથ ધરાયો

વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,મહેસાણા
મહેસાણા જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારી અને બાળ સુરક્ષા અંતર્ગત ઝોનલ ઓબ્ઝર્વેશન હોમમાં રહેતાં કાયદા સાથે સંઘર્ષમાં આવેલા બાળ કિશોરો સાથે તેમની માનસિક વિચારસરણીમાં પરિવર્તન આવે એ હેતુથી કોઈ પ્રવૃત્તિ તરફ વળે અને આ બાળકીશોરો પ્રત્યે સમાજનો દ્રષ્ટિકોણ પણ બદલાય એ માટે બાળકોએ તૈયારી બતાવતા અધિક્ષક અને કાઉન્સેલર દ્વારા તેઓને દિવાળી નિમિત્તે મીણબત્તીના દીવડાઓ બનાવવા માટેની તાલીમ આપવામાં આવી હતી.
ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ સાથે સંકલન કરીને બાળકોને કાચો માલ પૂરો પાડવામાં આવ્યો હતો અને બાળકો દ્વારા દીવડાઓ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી અને બધા બાળકોને આ પ્રવૃત્તિમાં ખુબ મજા આવી હતી.
બાળકો દ્વારા અત્યાર સુધીમાં 7500 જેટલાં દીવડાઓ બનાવવામાં આવ્યાં છે જેમાં મેકકેન ફૂડ, કલેક્ટર કચેરી વગેરે જગ્યાએ પેકીંગ કરીને વેચાણ પણ કરવામાં આવ્યું છે. આ કામગીરીમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટશ્રી શાહ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના શેખ દ્વારા પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. આ પ્રવૃત્તિ સતત ચાલતી રહે એ માટેનું આયોજન કરવાં જણાવ્યું છે. આ સમગ્ર કામગીરીમાં સમાજ સુરક્ષા અધિકારીશ્રી આરતીબેન બોરીચા દ્વારા સતત સંકલનથી ઝોનલ ઓબ્ઝર્વેશન હોમમાં નવતર પ્રયોગ કરવામાં આવ્યો.






