Rajkot: VGRC MSME Conclave વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના દ્વિતીય દિવસે MSME કોન્ક્લેવનું સફળ આયોજન

તા.૧૨/૧/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં સૌરાષ્ટ્રના MSME માટે ગ્લોબલ ગ્રોથનો રોડમેપ રજૂ : ઔદ્યોગિક વિકાસ માટે ૩૮૧ કરોડથી વધુના MoU અને ૯૯૫થી વધુ રોજગારીની તકો
વિકસિત ભારત 2047 માટે ગુજરાત બનશે ગ્રોથ એન્જિન : MSME કોન્ક્લેવમાં કેન્દ્રીય મંત્રી શ્રી પિયૂષ ગોયલ
સ્વદેશીથી વૈશ્વિક સુધી : વૈશ્વિક બજારો માટે સૌરાષ્ટ્રના MSMEને તૈયાર કરવાની દિશામાં આંતરરાષ્ટ્રીય અવસરો પર મહત્વપૂર્ણ ચર્ચા: કોરિયા, રશિયા અને ભારત વચ્ચે MSME સહકારને નવી દિશા; ફૂડ પ્રોસેસિંગથી આંતરરાષ્ટ્રીય સહકાર સુધી MSME વિકાસ પર કેન્દ્રિત નીતિઓ પર વિશેષ ચર્ચા*
Rajkot: વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા આજે VGRCમાં દ્વિતીય દિવસે MSME કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું. જેનો મુખ્ય હેતુ નાના અને મધ્યમ ઉદ્યોગોને સશક્ત બનાવવા, સ્થાનિક ઉદ્યોગસાહસિકોને વૈશ્વિક બજારો સાથે જોડવા, ટેક્નોલોજી અપગ્રેડેશન અને રોકાણની તકોનું સર્જન કરવાનો હતો.આ ઉપરાંત MSME સેક્ટરને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો અને તેમના અનુભવો અને ભવિષ્યની નીતિઓમાં શું નવું ઉમેરી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આજના આ કોન્ક્લેવમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ઔદ્યોગિક વિકાસ માટે ૩૮૧ કરોડથી વધુના MoU કરવામાં આવ્યા જેના દ્વારા ૯૯૫થી વધુ રોજગારીની તકો ઉભી થશે. જે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત રાજ્યના ઔદ્યોગિક વિકાસ, રોજગાર સર્જન અને આત્મનિર્ભર ગુજરાતના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવી આશા વ્યક્ત કરવામાં આવી.
MSME કોન્કલેવની શરૂઆતમાં કેન્દ્રીય મંત્રી શ્રી પિયૂષ ગોયલે તેમના વ્યક્તવ્યમાં જણાવ્યું કે, ભારતના ‘અમૃતકાળ’ એટલે કે વર્ષ 2047માં દેશની આઝાદીને 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. ‘વિકસિત ભારત 2047’ના સ્વપ્નને સાકાર કરવા માટે ‘વિકસિત ગુજરાત’ અનિવાર્ય છે. આ દિશામાં ગુજરાતને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારે આશરે 60 લાખ કરોડ રૂપિયાનું વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટેનું વિકાસ આયોજન કર્યું છે. આ આયોજનમાં MSME સિંહ ફાળો આપશે. જે રાજ્યના ઔદ્યોગિક, આર્થિક અને સામાજિક વિકાસને નવી ગતિ આપશે. આ તકે કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી શ્રી જયરામભાઇ ગામીત, શ્રી હસમુખભાઇ અઢિયા, અન્ય અગ્રણીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિ સાથે MSME જગતના ઉદ્યોગસાહસિકો હાજર રહ્યાં.
“Future-Ready Saurashtra: Advancing Industrial Transformation for Global Markets” વિષય પર આ કોન્ક્લેવમાં MSME ક્ષેત્રને વૈશ્વિક બજારો માટે તૈયાર કરવા, ટેક્નોલોજી અપનાવા, નાણાકીય સશક્તિકરણ અને આંતરરાષ્ટ્રીય સહકાર જેવા વિષયો પર સંવાદ સાધવામાં આવ્યો હતો. શ્રી રમેશ અય્યર, CEO – TCS Korea તથા ચેરમેન, ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ કોરિયા (ICCK) દ્વારા ભારત–કોરિયા વચ્ચેના ક્રોસ-બોર્ડર બિઝનેસ સહકાર, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન તથા ગ્રીન એનર્જી, AI અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં MSME માટે ઉપલબ્ધ વૈશ્વિક અવસરો અંગે માર્ગદર્શન આપ્યું.
“From Swadeshi to Global: Growing Food Processing Sector” સત્રમાં બાલાજી વેફર્સ ગ્રુપ, રાજકોટના ચેરમેન શ્રી ચંદુભાઈ વિરાણીએ સ્થાનિક બેકરીમાંથી રાષ્ટ્રીય બ્રાન્ડ સુધીના પોતાના અનુભવો રજૂ કર્યા. તેમણે ઉત્પાદનમાં નાવિન્ય લાવવા, ગુણવત્તા જાળવવા તથા એક્સપોર્ટ માટેની તૈયારી અંગે ઉપયોગી સૂચનો આપ્યા.
“Bridge to Prosperity: Strengthening Russia–India MSME Sector” સત્રમાં રશિયન ફેડરેશનના ટ્રેડ રિપ્રેઝેન્ટેટર શ્રીમતી ઝ્લાતા એન્ટુશેવા દ્વારા ભારત–રશિયા વચ્ચે વેપાર, રોકાણ અને સહકાર મજબૂત કરવાની સંભાવનાઓ પર પ્રકાશ પાડ્યો. ત્યારબાદ “Grassroot Innovation” વિષયક સત્રમાં GIAN, SRISTI અને હનીબી નેટવર્કના માનદ સચિવ તથા પદ્મશ્રી અનિલ ગુપ્તાએ ગ્રામ્ય સ્તરે થયેલા grass root innovations કેવી રીતે વૈશ્વિક સ્તરે સફળ બની શકે તે અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.
“MSMEs Industry 5.0: Technology, Skills & Sustainability” સત્રમાં સિંગાપુરના AI અને રોબોટિક્સ નિષ્ણાત શ્રી વિલિયમ લી દ્વારા MSME માટે ટેક્નોલોજી અપસ્કિલિંગ, AI આધારિત ઉકેલો અને ટકાઉ વિકાસની આવશ્યકતા પર ભાર મૂકાયો. આ સાથે “MSME Business Growth by AI Led Automation” સત્રમાં AI આધારિત પ્રોડક્ટ ડેવલપમેન્ટ નિષ્ણાત શ્રી અરુણ ગોયલે ઓટોમેશન અને ફ્યુચરિસ્ટિક ટેક્નોલોજીના અર્થપૂર્ણ અપનાવાથી MSME ક્ષેત્રમાં વૃદ્ધિ અને કાર્યક્ષમતામાં વધારો કેવી રીતે શક્ય બને તે સમજાવ્યું.
કોન્ક્લેવના અંતિમ સત્ર “MSME Financing, Guarantees and IPO for Scaling” માં નેશનલ સ્ટોક એક્સચેન્જના એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ શ્રીમતી પાર્વતી મૂર્તીએ કેપિટલ માર્કેટ દ્વારા ફંડ રેઇઝિંગ, IPO અને પરંપરાગત ફાઇનાન્સિંગ પર આધાર ઘટાડવા અંગે માહિતી આપી હતી. ત્યારબાદ “Enhancing National Pension System (NPS) among MSMEs” સત્રમાં PFRDAના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રીમતી મમતા રોહિતે MSME ક્ષેત્રમાં નેશનલ પેન્શન સિસ્ટમને પ્રોત્સાહન આપવાના માર્ગો રજૂ કર્યા. આ MSME કોન્ક્લેવ દ્વારા ઉદ્યોગસાહસિકોને વૈશ્વિક દૃષ્ટિકોણ, ટેક્નોલોજી આધારિત વિકાસ, નાણાકીય સશક્તિકરણ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે ઉપયોગી માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.











