NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી: GMERS મેડિકલ કોલેજમાં MBBSના વિદ્યાર્થીઓના અભ્યાસ અને માનવ સંશોધન માટે દેહદાન કરવા અનુરોધ…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

*કોઈ પણ વ્યક્તિ ઉંમર, જાતિ, ધર્મના ભેદભાવ વિના મેડિકલ વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે દેહદાન કરી શકે છે*

નવસારી:તા.૧૭,GMERS મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ-નવસારી તા. ૨૦-૦૭-૨૦૨૨થી નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના આટ-ખંભલાવ ખાતે કાર્યરત છે. કોલેજની શરૂઆતથી હાલ સુધીમાં MBBSના ૩૦૦ તબીબી વિદ્યાર્થી અભ્યાસ કરી રહ્યા છે, આને આવનાર સમયમાં MBBSના અભ્યાસક્રમ પછી ઇન્ટર્નશીપ કરતા તબીબી વિદ્યાર્થીઓની સંખ્યા કુલ ૬૦૦ થશે.

તાજેતરમાં વિદેશમાં MBBSનો અભ્યાસક્રમ પૂર્ણ કરીને આવેલ તબીબી વિધાર્થીઓની (FMG) ઇન્ટર્નશીપ માટે સરકાર દ્વારા તબીબોની ફાળવણી કરાઈ છે. MBBSના અભ્યાસ દરમિયાન તબીબી વિદ્યાર્થીઓને માનવશરીરની રચનાનો અભ્યાસ અને સંશોધન માટે મૃતમાનવ શરીરની જરૂરિયાત રહે છે. અત્યાર સુધીમાં GMERS મેડિકલ કોલેજ-નવસારીમાં ૯ વ્યક્તિઓનું નવસારી શહેર અને જિલ્લામાંથી દેહદાન પ્રાપ્ત થયા છે. પરંતુ NMC (રાષ્ટ્રીય આયુવિજ્ઞાન આયોગ) અનુસાર દર વર્ષે ૧૦ દેહદાનની જરૂરિયાત રહે છે. જેથી તબીબી વિદ્યાર્થીઓના અભ્યાસ અને માનવ-સંશોધન માટે દેહદાન કરવા જાહેર જનતાને અનુરોધ છે.

પાર્થિવ દેહને કોઇપણ વ્યક્તિ ઉંમર, જાતિ, ધર્મના ભેદભાવ વગર દાન કરી શકે છે. દેહદાનના મહાદાન બદલ સંસ્થા તરફથી પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવે છે. પાર્થિવ દેહનો ઉપયોગ માત્રને માત્ર વિદ્યાર્થીના અભ્યાસ તથા માનવ સંશોધન માટે કરાશે, અને દેહને આદર-કાળજીપૂર્વક સાચવવામાં આવે છે.

પાર્થિવ દેહદાન કરવા ઈચ્છુક વ્યક્તિ કે પરિવારે દેહદાન માટે ડિક્લેરેશન ફોર્મ GMERS મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ, આટ-ખંભલાવ, નવસારી ખાતે ભરી શકશે . દેહદાનની વધુ વિગત માટે  કોલેજના ડીન/એનાટોમી વિભાગના ફોન નં.૦૨૬૩૭-૨૯૯૬૩૩ તેમજ મો.૦૭૭૭૭૯૫૦૬૫૫ ઉપર સંપર્ક કરવા GMERS મેડિકલ કોલેજના ડીનની યાદીમાં જણાવાયું છે .

Back to top button
error: Content is protected !!