સૌરાષ્ટ્રમાં ત્રણ નગરપાલિકા છોડીને તમામ પર બીજેપીનો વિજય

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવી રહ્યાં છે ત્યારે સૌરાષ્ટ્રમાં ત્રણ નગરપાલિકા છોડીને તમામ પર બીજેપીની જીત થઇ છે. જે રીતે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં બીજેપીએ જીત મેળવી હતી તે જ રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપે ભવ્ય જીત મેળવી છે. તેમજ ત્રણ નગરપાલિકા છોડીને તમામ નગરપાલિકા પર ભાજપે ભગવો લેહરાવ્યો છે.
પોરબંદર જિલ્લાના કુતિયાણા નગરપાલિકામાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે રોચક જંગ જામ્યો છે. આ વખતે ચૂંટણીમાં ભાજપને સમાજવાદી પાર્ટીએ જોરદાર ટક્કર આપી છે, આજે થઇ રહેલી મતગણતરીમાં કુતિયાણામાં ટાઇ પડી છે. રાજ્યમાં 68 નગરપાલિકાઓમાંથી 25થી વધુ નગરપાલિકાઓ પર ભાજપે કબજો જમાવી લીધો છે, પરંતુ ધારાસભ્ય કાંધલ જાડેજાના કામકાજથી ભાજપને મુશ્કેલીઓ નડી રહી છે. કુતિયાણામાં બન્ને પક્ષોના ઉમેદવારો 24 બેઠકો પર આમને સામને છે. રાણાવાવ, કુતિયાણા અને સલાયા સિવાય તમામ નગરપાલિકા પર ભાજપે કબજો કરી લીધો છે.
અમરેલી જિલ્લામાં તમામ નગરપાલિકાઓમાં ભાજપનો પ્રચંડ વિજય થયો છે. જુનાગઢ મહાનગરપાલિકા અને નગરપાલિકામાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. તો બીજી તરફ રાજકોટ અને ભાવનગર જિલ્લાની નગરપાલિકામાં પણ ભાજપે બમ્પર જીત મેળવી છે. ઉલ્લેખનીય છે કે ભાવનગર પેટચૂંટણીમાં બીજેપીની જીત થઈ છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં સલાયા સિવાય તમામ જગ્યાએ કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. સલાયા નગરપાલિકા અને તાલુકા પંચાયચતની પેટાચૂંટણીમાં ભાજપના સૂપડા સાફ થયા છે. સલાયામાં ખાતું ખુલે તેવી શક્યતા નહીંવત છે. 28 બેઠકવાળી સલાયામાં 13 પર AAPના ઉમેદવારનો વિજય થયો છે. તો 15 પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો છે.
રાજ્યની એકમાત્ર નગરપાલિકા જ્યાં ભાજપનું ખાતું ખુલ્યું નથી. નોંધનિય છે કે, સલાયામાં ભાજપે માત્ર 12 ઉમેદવાર ઉભા રાખ્યા હતા. સલાયામાં કોંગ્રેસે વિજય મેળવ્યો છે. રાણાવાવમાં સમાજવાદી પાર્ટીને 16 અને ભાજપને 8 બેઠક મળી છે. કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી ધારાસભ્ય બન્યા છે. આ પહેલા તેઓ એનસીપીમાં હતા.





