Rajkot: વિંછીયા જૂથ સુધારણા યોજના અંતર્ગત રૂ. ૨.૨૧ કરોડથી વધુના ખર્ચે નિર્મિત પાઇપલાઇન તથા ભૂગર્ભ સંપનું લોકાર્પણ કરતા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા

તા.૮/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
વિંછીયાના અંતરિયાળ ગામોને નર્મદાના નીર પ્રાપ્ત થશે, ત્યારે પાણીના ટીપેટીપાંનો કાળજીપૂર્વક ઉપયોગ કરજો : મંત્રીશ્રી
Rajkot: ગુજરાત રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજ્ય પાણી પુરવઠા બોર્ડની વિંછીયા જૂથ સુધારણા યોજના અંતર્ગત રૂ. ૨.૨૧ કરોડથી વધુના ખર્ચે નિર્મિત પાઇપલાઇન તથા ભૂગર્ભ સંપનું લોકાર્પણ કર્યું હતું. જેમાં રૂ. ૬૦.૪૦ લાખના ખર્ચે અજમેર ગામથી ઢેઢુકી ગામ સુધી ૧૫૦ મી.મી. ડી.આઇ. પાઇપલાઇન અને ૭૦ હજારની ક્ષમતાનો સંપ તથા રૂ. ૧.૬૧ કરોડના ખર્ચે દડલી ગામથી અજમેર ગામ સુધી ૧૫૦ મી.મી. ડી.આઇ. પાઇપલાઇન બનાવવાની કામગીરીનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે વિંછીયા પંથકના છેવાડા વિસ્તારમાં આવેલા ઢેઢુકી ગામ અને અજમેર ગામના લોકોને હવે “સૌની” યોજના હેઠળ નર્મદા નદીનું પીવાનું શુદ્ધ પાણી મળી શકશે. વિંછીયાના અંતરિયાળ ગામોને નર્મદાના નીર પ્રાપ્ત થવા જઈ રહ્યાં છે, ત્યારે પાણીના ટીપેટીપાંનો કાળજીપૂર્વક ઉપયોગ કરજો. તેમજ હાલમાં મોઢુકા હેડવર્ક્સમાં જરૂરી ઘટકોના નવીનીકરણની કામગીરી પૂર્ણતાના આરે છે. જેનાથી વિંછીયા તાલુકાના ૩૨ ગામ, જસદણ તાલુકાના ૦૬ ગામ અને સાયલા તાલુકાના ૦૧ ગામ એમ કુલ ૩૯ ગામોને નિયમિત પાણી પુરવઠો મળી રહેશે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે અજમેર ગામથી સણોસરા ગામ સુધી પાકો રસ્તો બનતા સ્થાનિકોને આવનજાવનમાં સરળતા રહે છે. રાજ્ય સરકાર દ્વારા છેવાડાના ગામોના બાળકો અભ્યાસથી વંચિત ન રહી જાય, તેવા આશયથી અંદાજે ૧૮ જેટલી સીમ શાળાઓ અને ૬૦થી વધુ માધ્યમિક શાળાઓ બનાવવામાં આવી છે. જસદણમાં વિજ્ઞાન પ્રવાહની કોલેજ તો કાર્યરત છે. એટલું જ નહીં, આઇ.આઇ.ટી., રમતગમત સંકુલ, કસ્તુરબા ગાંધી વિદ્યાલય – વીરનગર જેવા સંકુલોના માધ્યમથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બની રહ્યું છે. આમ, જસદણ-વીંછિયા તાલુકાઓના ગામો શિક્ષણ, આરોગ્ય, વીજળી, સિંચાઈ-પીવાનું પાણી, રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓથી સભર બન્યા છે.
આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્યથી આરંભ કરાયા બાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી અભિવાદન કરાયું હતું. મંત્રીશ્રીએ સરકારી માધ્યમિક શાળા, ઢેઢુકીની મુલાકાત લઈને જરૂરી સૂચના આપી હતી. તેમજ પાણી પુરવઠા કચેરીના ચીફ એન્જિનીયર શ્રી રાજુભાઈ મહેરીયાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું.
આ તકે મામલતદાર શ્રી એચ.ડી.બારોટ, તાલુકા વિકાસ અધિકારી શ્રી પાર્થરાજસિંહ પરમાર, અધિક્ષક ઇજનેર શ્રી રાજેશભાઈ ખારવા, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી યોગેશભાઈ જીંજાળા, સામાજિક અગ્રણી શ્રી ચૈતન્યભાઈ ભટ્ટ સહિત પાણી પુરવઠા બોર્ડ અને સિંચાઈ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.





