GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરીટેજ સાઈટ ‘‘ગુનેરી ઇનલેન્ડ મેન્ગૃવ’

તા.૨૧/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

ગુજરાતમાં જૈવવિવિધતાના સંરક્ષણ, સંવર્ધન અને જાળવણી અર્થે રાજ્ય સરકાર દ્વારા ૨૦૦૬માં રચાયું ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ

Rajkot: ગુજરાતમાં જૈવવિવિધતાનું સંરક્ષણ, સંવર્ધન અને જાળવણી કરવા માટે ૨૦૦૬માં રાજ્ય સરકાર દ્વારા ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં જૈવવિવિધતાની જાળવણી અર્થે રચાયેલા આ બાયોડાયવર્સિટી બોર્ડની રચના બાદ આ બોર્ડે એક મહત્વની સિધ્ધિ હાંસલ કરી છે અને તે છે, ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરીટેજ સાઈટ “ગુનેરી ઇનલેન્ડ મેન્ગૃવ”.

કચ્છના લખપત તાલુકામાં આવેલી અને ૩૨.૭૮ હેક્ટરમાં ફેલાયેલી આ અનોખી નોન-ટાઇડલ મેન્ગૃવ નિવસનતંત્ર ધરાવતી ગુનેરી ઇનલેન્ડ મેન્ગૃવ સાઈટના આ વિસ્તારને ૨૦૨૫માં ગુજરાતના પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ (BHS) તરીકે જાહેર કરવામાં આવી છે. આ સાઈટ તેની વિશિષ્ટ જૈવવિવિધતા અને પર્યાવરણીય મહત્વને કારણે રાજ્યના જૈવવિવિધતા સંરક્ષણમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ હેરીટેજ સાઈટમાં ૨૦ સ્થળાંતરી અને ૨૫ રહેવાસી પક્ષીઓની પ્રજાતિઓ અને એવિસેનિયા મરીના મેન્ગૃવ જોવા મળે છે. આ સાઈટની જાળવણી માટે સ્થાનિક સમુદાયોને જૈવવિવિધતાના સંરક્ષણમાં સામેલ કરવામાં આવે છે, જે પરંપરાગત પદ્ધતિઓ અને આધુનિક વિજ્ઞાનનું સંયોજન કરે છે.

અનોખું નિવસનતંત્ર ધરાવતી ગુનેરી ઇનલેન્ડ મેન્ગૃવ સાઈટની મુખ્ય લાક્ષણિકતાઓ જોઈએ તો, ગુનેરી મેન્ગૃવ દરિયાકાંઠાથી દૂર, દરિયાઈ ભરતીની અસર વિનાનું ઇનલેન્ડ (અંતર્દેશીય) મેન્ગૃવ જંગલ છે, જે તેને ભારતમાં અનોખું બનાવે છે. આ વિસ્તારમાં એવિસેનિયા મરીના (Avicennia marina) પ્રજાતિના મેન્ગૃવ મુખ્ય છે, જે ખારા પાણીના વાતાવરણમાં ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે. આ ઇકોસિસ્ટમ ખારા-મીઠા પાણીના મિશ્રણ પર નિર્ભર છે, જે કચ્છના રણના વિશિષ્ટ ભૂસ્તરીય વાતાવરણમાં રચાય છે. ગુનેરીની આ સાઈટ ઉપર ૨૦ સ્થળાંતરી અને ૨૫ રહેવાસી પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે, જેમાં ફ્લેમિંગો, હેરિયર, અને અન્ય જળપક્ષીઓનો સમાવેશ થાય છે. જ્યારે નાના સસ્તન પ્રાણીઓ, સરિસૃપો, અને જળચર જીવો પણ આ વિસ્તારમાં જોવા મળે છે. અહીંયા મેન્ગૃવ ઉપરાંત, અન્ય ખારાશ-સહનશીલ વનસ્પતિઓ જેવી કે સૂઆઇડા અને સાલ્વાડોરાનો આ વિસ્તારની જૈવવિવિધતામાં મહત્વનો ફાળો રહેલો છે.

પર્યાવરણીય દ્રષ્ટીએ આ સાઈટનું અનેરૂ મહત્વ રહેલું છે. અહીં જોવા મળતાં મેન્ગૃવ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષીને જળવાયુ પરિવર્તન સામે લડવામાં મદદ કરે છે. મેન્ગૃવના મૂળ ખાસ કરીને કચ્છના રણ જેવા નાજુક વિસ્તારોમાં જમીનનું ધોવાણ અટકાવે છે.

ગુનેરી ઇનલેન્ડ મેન્ગૃવ સાઈટની અગત્યતાને ધ્યાન લઈ ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા ૨૦૨૫ માં ગુનેરીને તેની અનોખી જૈવવિવિધતા અને પર્યાવરણીય મહત્વને કારણે બાયોડાયવર્સિટી હેરીટેજ સાઈટ તરીકે જાહેર કરી છે. આ વિસ્તારમાં મેન્ગૃવ વૃક્ષોનું વાવેતર, જૈવવિવિધતાનું દસ્તાવેજીકરણ અને સ્થાનિક સમુદાયો સાથે સહયોગ કરીને સંરક્ષણ કાર્યો કરવામાં આવી રહ્યાં છે.

ગુનેરી ઇનલેન્ડ મેન્ગૃવ ગુજરાતની જૈવવિવિધતાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, જે દર્શાવે છે કે રણ જેવા શુષ્ક વાતાવરણમાં પણ મેન્ગૃવ ખીલી શકે છે. ગુનેરી ઇનલેન્ડ મેન્ગૃવ એ ગુજરાતની પર્યાવરણીય અને જૈવવિવિધતા સંપત્તિનું એક અમૂલ્ય રત્ન છે. તેનું સંરક્ષણ ન માત્ર સ્થાનિક નિવસનતંત્રને જાળવશે, પરંતુ વૈશ્વિક સ્તરે જળવાયુ પરિવર્તન સામે લડવામાં પણ ફાળો આપશે. ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડના પ્રયાસો અને સ્થાનિક સમુદાયની ભાગીદારી આ વિસ્તારને ભાવિ પેઢીઓ માટે સુરક્ષિત રાખવામાં મદદ કરશે.

વૈજ્ઞાનિક સંશોધન, ઇકો-ટુરિઝમ, અને પર્યાવરણીય શિક્ષણ માટે આદર્શરૂપ એવા આ વિસ્તારને ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા બાયોડાયવર્સિટી હેરીટેજ સાઈટ તરીકે જાહેર કરવામાં આવ્યો છે, જે ગુજરાત સરકારની જૈવવિવિધતા સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ દ્વારા રાજ્યની જૈવવિવિધતાને બચાવવા અને ટકાઉ ઉપયોગને પ્રોત્સાહન આપવું, જૈવવિવિધતાનું દસ્તાવેજીકરણ અને સંરક્ષણ માટે સ્થાનિક સ્તરે (ગ્રામ પંચાયતો, જીલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ)માં બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટી (BMCs)ની રચના કરવી, સ્થાનિક જૈવિક સંસાધનોના ઉપયોગો અને પરંપરાગત જ્ઞાનનું દસ્તાવેજીકરણ કરવા માટે પીપલ્સ બાયોડાયવર્સિટી રજિસ્ટર (PBR) તૈયાર કરવા સહિતના કાર્યો કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત રાજ્યમાં જૈવવિવિધતાની દૃષ્ટિએ મહત્વના વિસ્તારોને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ્સ (BHS) તરીકે જાહેર કરવા, જૈવિક સંસાધનોના આર્થિક ઉપયોગ માટે નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી (NBA) અને GBBની સલાહ મુજબ ફી લાદવી અને લાભ-વહેંચણીની વ્યવસ્થા કરવી ઉપરાંત સ્થાનિક સમુદાયો, વન વિભાગના કર્મચારીઓ અને અન્ય હિતધારકો માટે જૈવવિવિધતા સંરક્ષણ અંગે તાલીમ કાર્યક્રમો યોજવા સહિતના જૈવવિવિધતાના સંરક્ષણ અને સંવર્ધન કાર્યો હાથ ધરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!