


મુખ્યમંત્રી રાષ્ટ્ર માટે પ્રધાનમંત્રી આપેલ ‘એક પેડ માઁ કે નામ’ના અભિયાનને ચરિતાર્થ કરવા ઉપસ્થિત સૌને વૃક્ષ વાવીને તેનું જતન કરવા અપીલ કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી રાજ્યના વિવિધ 14 જેટલા ધર્મસ્થાનોમાં ક્લોથ બેગ વેન્ડીંગ મશીનો પ્લાસ્ટિક મુક્ત અભિયાનને વેગ આપી રહ્યા છે તેમ જણાવી આજે લોકાર્પણ કરાયેલા આ મશીનનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત ૨૦૪૭ના સંકલ્પને સિદ્ધ કરવા આપણને જે આહ્વાન આપ્યું છે તેમાં આપણે વિરાસતનું ગૌરવ વધારવા નાગરિક કર્તવ્યોનું અચૂક પાલન કરીએ. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે,સમાજની શક્તિનો સદ્દઉપયોગ જે રીતે ઊંઝા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા કરાઈ રહ્યો છે તે અનેક સંસ્થાઓ માટે પ્રેરણારૂપ છે.
આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે,ધજા મહોત્સવની પ્રણાલી અનાદિકાળથી ચાલી આવે છે ત્યારે આજે ઊંઝા ખાતે માઁ ઉમિયા ટ્રસ્ટ દ્વારા ધજા મહોત્સવનું સુંદર આયોજન કરાયું છે. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન શિક્ષણ, આરોગ્ય,સમુહ લગ્ન સહિત અનેક સામાજિક શૈક્ષણિક અને ધાર્મિક કાર્યો કરી રહી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે માઁ ઉમિયાના પ્રાગટય સ્વરૂપની ૧૮૬૮ વર્ષોની યાદગીરી સ્વરૂપે મંદિરના પ્રાંગણમાં ધજાઓ ચઢાવવાનું અનેરુ કાર્ય થયું છે ત્યારે સૌને પ્રધાનમંત્રીશ્રીએ આપેલ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસનો મંત્ર સાર્થક થાય તે દિશામાં આગળ વધવા જણાવ્યું હતું.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ અને દસક્રોઈના ધારાસભ્યશ્રી બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઊંઝા ઉમિયા ખાતે ધજા મહોત્સવમાં દરેક સમાજને સાથે લઈને મહોત્સવનું આયોજન કરાયું છે. શિક્ષણ થકી સમાજ રાજ્યના વિકાસમાં સહભાગી બન્યો છે,જે સમાજ માટે ગૌરવની વાત છે.
આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે માઁ ઉમિયા આનંદના ગરબાનું વિમોચન કરવામાં આવ્યું હતું તેમજ ધ્વજા મહોત્સવમાં દાન આપનાર દાતાશ્રીઓ અને સમાજના શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમના અંતે મુખ્યમંત્રીશ્રીએ શોભાયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ કાર્યક્રમમાં સંસ્થાના માનદ મંત્રીશ્રી દિલીપભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરી માઁ ઉમિયા માતાજી સંસ્થાનની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે વાત કરી હતી. આ પ્રસંગે સાંસદશ્રી હરિભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તૃષાબેન પટેલ, ધારાસભ્ય સર્વેશ્રી કિરીટભાઈ પટેલ, શ્રી મુકેશભાઈ પટેલ, અગ્રણી સર્વશ્રી બાબુભાઈ કે. પટેલ, ગોવિંદભાઈ વરમોરા, નારાયણભાઈ પટેલ, ગીરીશભાઈ રાજગોર તેમજ સંસ્થાના હોદ્દેદારશ્રીઓ ટ્રસ્ટીશ્રીઓ,સમાજ શ્રેષ્ઠીઓ સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.


