ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫ ગબ્બર, મંદિર અને અંબાજીના માર્ગો પર સ્વચ્છતાનો અનોખો માહોલ

3 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
અંબાજી આજુબાજુના રસ્તાઓ પર ચમકતી જોવા મળી રહી છે સ્વચ્છતા ૮૦ ટ્રેક્ટર અને ૧૫૦૦ જેટલા સફાઈકર્મીઓ દ્વારા સ્વચ્છતા માટે વિશેષ કામગીરી:- જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ જી દવે “આસ્થા તમારી વ્યવસ્થા અમારી”ના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહા મેળામાં સ્વચ્છતા સૌકોઈને આંખે ઉડીને વળગે એવી છે. ચાલુ વર્ષે આ મહા મેળામાં “સ્વચ્છતા ત્યાં પ્રભુતા”ના મંત્રને ચરિતાર્થ કરતા જિલ્લા કલેકટરશ્રી વ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેનશ્રી મિહિર પટેલ દ્વારા સ્વચ્છતા બાબતે ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. સમગ્ર મેળા દરમિયાન ૩૦ લાખથી પણ વધારે માઈ ભક્તો અંબાજી ખાતે પધારતા હોય છે ત્યારે અંબાજીના રસ્તાઓ, મંદિર સહિતના સ્થળો ખાતે ખાસ સ્વચ્છતા જોવા મળી રહી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને સ્વચ્છતાના નોડલ ઓફિસર શ્રી એમ.જે. દવેએ જણાવ્યું કે, મહા મેળામાં સ્વચ્છતા પાયાની અને મહત્વની બાબત છે. ચાલુ વર્ષે સ્વચ્છતા પર ખાસ ભાર મુકાયો છે. આ માટે અંબાજી, મંદિર, ગબ્બર અને આજુબાજુના વિસ્તારમાં યોગ્ય સફાઈ થાય અને મોનીટરીંગ માટે પાંચ ઝોનમાં કામગીરી થઈ રહી છે. ૧૫૦૦ જેટલા સફાઈ કર્મીઓ સ્વચ્છતા ઝુંબેશમાં કામગીરી કરી રહ્યા છે. અંબાજી મેળામાં ભક્તો પદયાત્રા કરીને આવતા હોય છે. રસ્તાઓ પર સફાઈ માટે કુલ ૮૦ જેટલા ટ્રેક્ટર માણસો સાથે કચરાની ઉઠાંતરી કરી રહ્યા છે. મોનિટરીંગ માટે અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. તેમણે પદયાત્રીઓને વિનંતી કરતા જણાવ્યું કે, કચરો કચરા પેટીમાં નાખવામાં આવે તથા પ્લાસ્ટીકનો ઉપયોગ ના કરવામાં આવે તે જરૂરી છે. સેવા કેમ્પ ખાતે એકત્રિત થયેલો કચરો પણ ટ્રેકટર મારફત નિકાલ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદના રાણીપ થી જય અંબે સંઘ લઈને પગપાળા આવેલા કિરીટભાઈ પટેલે જણાવ્યું કે, તેઓ ૮૦ માઇભક્તો સાથે પગપાળા સંઘ લઈને અંબાજી ખાતે પહોંચ્યા છે. માઁ અંબેના અતૂટ શ્રદ્ધા સાથે તેમને રસ્તામાં કોઈપણ પ્રકારની તકલીફ પડી નથી. રસ્તાઓ અને મંદિર ખાતે ખૂબ સારી સ્વચ્છતા અને સગવડનો અમને લાભ મળ્યો છે. સરકારશ્રી અને તંત્ર તરફથી ખૂબ સારી સુવિધાઓ ઉભી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવેના નેતૃત્વ હેઠળ કુલ ૧૫૦૦ જેટલા સફાઈકર્મીઓ રાઉન્ડ ધ ક્લોક સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે. ૮૦ ટ્રેક્ટર થકી કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. અંબાજી તથા આજુબાજુના રસ્તાઓ પર ચમકતી સ્વચ્છતા જોવા મળી રહી છે.






