
વિજાપુર તાલુકાના કુકરવાડા ખાતે બહેનો ઉત્સાહ ભેર પ્રાકૃતિક કૃષિ ક્લસ્ટર બેઝ તાલીમમાં ભાગ લીધો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
આત્મા” પ્રોજેક્ટ ડાયરેક્ટર એલ.કે.પટેલે વિજાપુર તાલુકાના કુકરવાડા અને વિસનગર તાલુકાના બાજીપુરા ખાતે ખેડૂતોની પ્રાકૃતિક ખેતી ક્લસ્ટર બેઝ તાલીમ લીધી હતી. વિજાપુર તાલુકાના કુકરવાડા ખાતે યોજાયેલી પ્રાકૃતિક કૃષિ ક્લસ્ટર બેઝ તાલીમમાં આજરોજ સ્થાનિક મહિલાઓએ ઉત્સાહભેર પોતાનું યોગદાન આપ્યું હતું. તેમજ પ્રાકૃતિક ખેતી વિશે જીણવટ થી માહિતી મેળવી હતી અને પ્રાકૃતિક ખેતીમાં જોડાવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.પ્રોજેક્ટ ડાયરેક્ટર લક્ષ્મણભાઈ પટેલે કુકરવાડા ખાતે બિયારણને બીજામૃતનો પટ આપીને વાવેતર કરવા અંગેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં ખેડૂત અને પશુપાલક ભાઈઓ- બહેનોએ વિગતે માહિતી મેળવી હતી. ટેકનિકલ માસ્ટર ટ્રેનર પન્નાબેન ચૌધરીએ પણ બહેનોના પ્રાકૃતિક કૃષિના ઉત્સાહને બીરદાવ્યો હતો.જ્યારે વિસનગર તાલુકાના બાજીપુરા ખાતે પ્રાકૃતિક ખેતી ક્લસ્ટર બેઝ તાલીમમાં બાગાયત ખેતી કરનારા ખેડૂતો પ્રાકૃતિક ખેતીની તાલીમમાં રસભેર જોડાયા હતા. તેમજ સુભાષ પાલેકરની બતાવેલી ખેતી પદ્ધતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રાકૃતિક કૃષિ મુહિમને સમજીને પોતાના આવનારા ભવિષ્યના નાગરિકોને સ્વસ્થ અને સ્વચ્છ અનાજ -ખોરાક આપવા માટેનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.ઉલ્લેખનીય છે કે સમગ્ર મહેસાણા જિલ્લાના વિવિધ તાલુકામાં યોજાઇ રહેલી પ્રાકૃતિક કૃષિ ક્લસ્ટર બેઝ તાલીમોમાં સ્થાનિકો તેમજ પશુપાલકો અને ખેડૂતો પ્રાકૃતિક કૃષિ વિશે જાણવામાં અને માર્ગદર્શન મેળવવામાં વધારેમાં વધારે રસ લઈ રહ્યા છે.


