
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લીના સાઠંબા તાલુકાની નારીશક્તિની અનોખી કળા: હસ્તકલા અને લિપણ આર્ટ થકી સખી મંડળની બહેનો બની આત્મનિર્ભર
પરંપરાગત લિપણ આર્ટને આધુનિક ઓપ આપી બહેનો મેળવી રહી છે ગૌરવપૂર્ણ રોજગારી
ગુજરાત સરકારના ‘મિશન મંગલમ’ અભિયાન હેઠળ મહિલા સશક્તિકરણના બીજ હવે વટવૃક્ષ બની રહ્યા છે. અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકાના રામપુરાકંપા ગામની મહિલાઓએ પોતાની કલા-સૂઝ અને મહેનત દ્વારા આત્મનિર્ભરતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રામપુરા કંપાના જય ગાયત્રી સખી મંડળની બહેનો આજે પરંપરાગત હસ્તકલા અને આધુનિક ગૃહ સુશોભનની ચીજવસ્તુઓ બનાવીને આર્થિક રીતે સધ્ધર બની રહી છે.
કલા અને કૌશલ્ય અને આત્મનિર્ભરતાનો ત્રિવેણી સંગમ આ સખી મંડળ મુખ્યત્વે હસ્તકલા (Handicraft), કલાત્મક ઝૂલા (Jhula) અને લિપણ આર્ટ (Lipan Art) ક્ષેત્રે કાર્યરત છે. ગ્રામીણ સંસ્કૃતિના વારસા સમાન લિપણ કલાને આ બહેનોએ કેનવાસ અને લાકડાના બોર્ડ પર ઉતારીને તેને શહેરી ઘરોની શોભા બનાવી દીધી છે. માટી અને કાચના ઝીણવટભર્યા કામ દ્વારા તૈયાર કરવામાં આવતી લિપણ આર્ટની કૃતિઓ માત્ર જિલ્લામાં જ નહીં, પરંતુ રાજ્ય સ્તરે યોજાતા પ્રદર્શનોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.
ગૃહ ઉદ્યોગથી આર્થિક આઝાદી સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવતા મજબૂત અને સુશોભિત હીંચકા (ઝૂલા) સ્થાનિક બજારોમાં ખૂબ લોકપ્રિય થયા છે. આ ઉપરાંત અન્ય હસ્તકલાની વસ્તુઓ જેવી કે તોરણ, વોલ હેંગિંગ અને સુશોભિત ટ્રે પણ તૈયાર કરવામાં આવે છે. જે ગાયત્રી સખી મંડળના સ્તુતિ બેન અને નીતાબેન જણાવે છે કે, “પહેલા અમે ઘરકામ પૂરતા મર્યાદિત હતા, પરંતુ સખી મંડળમાં જોડાયા બાદ આજે અમે દર મહિને સારી આવક મેળવીએ છીએ અને અમારા પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ શકીએ છીએ.”સરકારી પ્રોત્સાહન અને બજાર વ્યવસ્થા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) દ્વારા આ મંડળને સમયાંતરે માર્ગદર્શન અને મેળાઓમાં પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આ બહેનોને વિવિધ પ્રદર્શનો અને હાટ બજારોમાં સ્ટોલ ફાળવવામાં આવે છે, જેથી તેમને સીધું બજાર મળી રહે અને વચેટિયાઓ દૂર થાય.રામપુરા કંપાના જય ગાયત્રી સખી મંડળની સફળતા આજે આસપાસના ગામોની અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. આજ ગામમાં કુલ ૫ સખી મંડળ કાર્યરત છે જે થકી અંદાજિત ૫૦ મહિલાઓ પગલુછણીયા, હસ્ત કલા, ફરસાણ વગેરે બનાવી અને તેનું વેચાણ કરી આત્મનિર્ભર બની છે. ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને સાર્થક કરતી આ બહેનો સાચા અર્થમાં નારી શક્તિનો પરચો આપી રહી છે.





