કેશોદ તાલુકાના કણેરી થી અજાબ ગામને જોડતો છ કિલોમીટરનો મુખ્ય રસ્તો અતિ બિસ્માર હાલતમાં,અકસ્માતોના બનાવો વધતા જતાં, સ્થાનિકો અને ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો
કેશોદ તાલુકાના કણેરી થી અજાબ ગામને જોડતો છ કિલોમીટરનો મુખ્ય રસ્તો અતિ બિસ્માર હાલતમાં,અકસ્માતોના બનાવો વધતા જતાં, સ્થાનિકો અને ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો
જુનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓને લઈને લોકો હેરાન પરેશાન થયા છે.કેશોદ તાલુકાના કરેણીથી અજાબને જોડતો રસ્તો અવારનવાર થતા અકસ્માતોને કારણે ચર્ચાનો વિષય બન્યો છે.આ માર્ગ મેંદરડા, માળીયા અને સાસણ જવા માટે પણ મહત્વનો રસ્તો ગણાય છે.રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો સાથે સાથે ખેડૂતોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.સ્થાનિકોએ અનેકવાર સરપંચ, ધારાસભ્ય અને અધિકારીઓને રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.તેથી હવે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે અને વહેલી તકે આ રસ્તો સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.સ્થાનિકોની માંગને ધ્યાનમાં રાખીને અજાબ ગામના સરપંચ દ્વારા કેશોદ ધારાસભ્યને નવો રસ્તો બનાવવા રજૂઆત કરવામાં આવી હતી.જેના અનુસંધાને સરકારે અજાબથી કરેણી સુધીના છ કિલોમીટર રસ્તા માટે રૂ. ૫ કરોડની રકમ મંજૂર કરી છે.સાથે અજાબ ગામ પાસે આવેલ જર્જરીત પુલના સમારકામ માટે રૂ.૧ કરોડ ૪૫ લાખની રકમ પણ ફાળવવામાં આવી છે. બંને કામ માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એજન્સી દ્વારા ટૂંક સમયમાં જ કામગીરી શરૂ થવાની ખાતરી અપાઈ છે તો એક તરફ લોકોની વર્ષોથી ચાલતી માંગ આખરે સરકાર સુધી પહોંચી છે, હવે જોવાનું રહેશે કે મંજૂર થયેલી રકમનો ઉપયોગ સમયસર થઈ ગામોને રાહત મળે છે કે નહીં?
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ