Rajkot: સૌરાષ્ટ્રમાં છ લાખ એકર ખેતજમીનને ખરીફ, રવિ, ઉનાળુ પાક માટે પૂરતું પાણી મળી રહેશે
તા.૨૫/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
સારા વરસાદ, સૌની યોજના દ્વારા ઠલવાયેલા પાણીના લીધે સૌરાષ્ટ્રના જળાશયોમાં ૯૦ ટકા જળરાશિ ઉપલબ્ધ
જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ રાજકોટમાં અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા કરી
Rajkot: રાજ્યમાં આ વર્ષે થયેલા સારા વરસાદ તથા સૌની યોજના દ્વારા ઠલવાયેલા પાણીના લીધે સૌરાષ્ટ્રના વિવિધ જળાશયોમાં કુલ સંગ્રહશક્તિના ૯૦ ટકા જેટલો પાણીનો જથ્થો હાલ ઉપલબ્ધ છે. જેના લીધે આશરે ૬ લાખ એકર વિસ્તારમાં ખરીફ, રવિ તથા ઉનાળુ સિઝન પાક માટે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે અને સિંચાઈની સુવિધા દ્રઢ થશે. ઉપરાંત રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર અને મોરબી જિલ્લામાં પીવાના પાણીની સુખાકારીમાં વધારો થશે.
રાજ્યના જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ હાલમાં જ રાજકોટમાં મુખ્ય ઈજનેરશ્રી, અધિક સચિવશ્રી (સૌરાષ્ટ્ર) તથા ક્ષાર પ્રવેશ નિવારણ વર્તુળ-રાજકોટના અધિક્ષક ઈજનેરશ્રી સહિતના અધિકારીઓ સાથે મહત્વની સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં ઉપરોક્ત માહિતી સામે આવી હતી.
તાજેતરમાં જ ઉપરવાસમાંથી પાણીની વધારે આવકના કારણે સરદાર સરોવર જળાશય પહેલી ઓગસ્ટના રોજ ઓવરફ્લો થયું હતું. આ વધારાનું પાણી નર્મદાની મુખ્ય કેનાલ મારફત સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા તળાવો, ચેકડેમ તથા જળાશયમાં ઠાલવવાનો નિર્ણય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના માર્ગદર્શનમાં લેવામાં આવ્યો હતો.
મંત્રીશ્રીના આ નિર્ણયના કારણે આજ સુધીમાં સૌની યોજનાની ચારેય લિન્ક મારફત કુલ ૬૦,૦૦૦ લાખ ઘનફુટ પાણી સૌરાષ્ટ્રના ૩૮ જળાશય, ૪૫ તળાવ અને ૫૬૨ ચેકડેમોમાં આપવામાં આવ્યું હતું. જેમાં મુખ્યત્વે પીવાના પાણીના ડેમો જેવા કે આજી-૧, ન્યારી-૧, આજી-૩, મચ્છુ-૧, ભાદર-૧, આલણસાગર, બોર તળાવનો સમાવેશ થાય છે
આ ઉપરાંત અન્ય જળાશયોમાં મચ્છુ-૨, ખોડાપીપર, ડેમી-૨, ઉન્ડ-૧, બંગાવડી, ડેમી-૧, ઉન્ડ-૨, કંકાવટી, બાલંભડી, ઉન્ડ-૪, ઉન્ડ-૩, ફોફળ-૧, ફોફળ-૨, આંકડીયા, ઘેલો ઈતરીયા, માલગઢ, ઈશ્વરીયા, કર્ણુકી, ગોમા, લીંબાળી, સોમલપર, કરમાળ, ગળથ, મોટા મુંજીયાસર, ઓઝત-૨, ચાપરડા, ભાખરવડ, વ્રજમી, ચાચકા, વાસલ, ભીમડાદ, કાનીયાદ ડેમોમાં પણ પાણી આપવામાં આવ્યું છે.
આ બેઠકમાં મંત્રીશ્રીએ તળાવ, ચેકડેમોની હાલની સંગ્રહ ક્ષમતામાં વધારો થાય તે માટે જરૂરી કામગીરી કરવા સૂચના આપી હતી. ઉપરાંત સૌરાષ્ટ્ર વિસ્તારની મોટી નદીઓમાં વરસાદી પાણીના સંગ્રહ માટે સિરિઝ ઓફ ચેકડેમ બનાવવાની કામગીરી કરવા પણ જણાવ્યું હતું.
આ બેઠકમાં મુખ્ય ઈજનેર શ્રી એચ.યુ. કલ્યાણી, અધિક્ષક ઈજનેર સર્વ શ્રી જે.એન. ભાટુ, શ્રી સી.પી. ગણાત્રા, શ્રી પ્રેક્ષા ગોસ્વામી તેમજ વર્તુળ હેઠળના સૌરાષ્ટ્ર વિસ્તારના કાર્યપાલક ઈજનેરશ્રીઓ હાજર રહ્યા હતા.