આણંદ આરોગ્ય કેન્દ્રો અને શાળાઓમાં ૧૪૦ સર્પદંશ જાગૃતિ કાર્યક્રમો યોજાયો.
આણંદ આરોગ્ય કેન્દ્રો અને શાળાઓમાં ૧૪૦ સર્પદંશ જાગૃતિ કાર્યક્રમો યોજાયો.
તાહિર મેમણ – આણંદ – 19/09/2025 – આણંદ ૧૯મી સપ્ટેમ્બરના રોજ સર્પદંશ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પિયુષ પટેલના માર્ગદર્શન હેઠળ કુલ ૧૪૦ જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ૧૨૦ શિબિર અને શાળાઓમાં ૨૦ કાર્યક્રમોનો સમાવેશ થાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ સર્પદંશ જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા.
આ શિબિરો અને કાર્યક્રમોમાં વિવિધ પ્રકારના ઝેરી સાપ જેવા કે કોબ્રા (નાગ), સો સ્કેલ વાઇપર (અફર્ડ), રસેલ વાઇપર (દબૈયા) અને કરેત વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાપ કરડવાના કિસ્સામાં તાત્કાલિક શું કરવું અને શું ન કરવું તેની પણ જાણકારી પૂરી પાડવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન, કયા સાપ કરડવાથી કઈ તકલીફ થાય છે અને વિવિધ સાપ કેવા દેખાય છે તે સમજાવવામાં આવ્યું હતું. ખાસ કરીને, કરેત સાપ રાત્રે હુમલો કરે છે અને તેનો ડંખ ઘણીવાર અજાણ રહે છે તેની માહિતી અપાઈ હતી. સો સ્કેલ વાઇપર સાપ મુખ્યત્વે રાજસ્થાનના પહાડી અને ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળે છે તેની પણ જાણકારી વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને આપવામાં આવી હતી. આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.