વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાના સુબીર ખાતે આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે તા. ૦૪/૧૦/૨૦૨૫ ના રોજ ભવ્ય ‘કૌશલ દીક્ષાંત સમારોહ -૨૦૨૫’ નું આયોજન કરવામાં આવ્યું હતું. સુબીર તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ રઘુનાથભાઈ સાળવેના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સમારોહમાં સંસ્થામાંથી તાલીમ પૂર્ણ કરી પાસ થયેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
રઘુનાથભાઈ સાળવેના હસ્તે તમામ પાસ થયેલા ઉમેદવારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધારવા માટે સંસ્થામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર તેજસ્વી તારલાઓને મેડલ અને સર્ટિફિકેટ (પ્રમાણપત્ર) એનાયત કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
અધ્યક્ષ સ્થાનેથી રઘુનાથભાઈ સાળવેએ વિદ્યાર્થીઓને તેમના કૌશલ્યનો ઉપયોગ દેશ અને સમાજના વિકાસ માટે કરવા પ્રેરક સંદેશ આપ્યો હતો. તેમણે યુવાનોના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. આ સફળ આયોજન બદલ સંસ્થાના આચાર્યશ્રી તથા સ્ટાફ મિત્રોએ ઉપસ્થિત મહેમાનોનો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.