
નવેમ્બર મહિનામાં એક્ટિવ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સના કેશ હોલ્ડિંગ્સમાં થોડો ઘટાડો જોવા મળ્યો, જોકે માર્કેટ નવી ઊંચાઈઓને સ્પર્શતી હોવા છતાં મોટા ભાગના ફંડ્સમાં કેશ હોલ્ડિંગ્સ હજી પણ ઊંચા સ્તરે રહ્યા છે. આ પ્રવૃત્તિ દર્શાવે છે કે ફંડ મેનેજર્સ ખરીદી વખતે સાવધાની રાખી રહ્યા છે.
એસીઈ (ACE) ઈક્વિટીઝના તાજેતરના આંકડાઓ અનુસાર, એક્ટિવ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં સરેરાશ કેશ હોલ્ડિંગ નવેમ્બરમાં ૪.૬૮ ટકા રહ્યું, જે ઓક્ટોબરમાં ૪.૭૯ ટકા હતું. એબ્સોલ્યૂટ ટર્મમાં, રિઝર્વ લગભગ સ્થિર રહી, રૂ.૨.૦૨ લાખ કરોડ, જે ઓક્ટોબરમાં રૂ.૨.૦૩ લાખ કરોડ હતી. નવેમ્બરમાં બેન્ચમાર્ક ઈન્ડેક્સોમાં નોંધપાત્ર વધારો નોંધાયો: સેન્સેક્સ ૨.૧૧ ટકા વધી ગયો, નિફ્ટી ૧.૮૭ ટકા વધ્યો. મિડ કેપ ઈન્ડેક્સ ૦.૩૫ ટકા વધ્યો, જ્યારે સ્મોલ કેપ ઈન્ડેક્સ ૩.૪ ટકા ઘટ્યો.
એનલિસ્ટ્સના મતે, ફંડ્સનું ઊંચું કેશ હોલ્ડિંગ સૂચવે છે કે ઘણા ફંડ મેનેજર્સ હજુ પણ માર્કેટ વેલ્યુએશનને ઉચ્ચ ગણતા હોય છે. સામાન્ય રીતે, વોલેટિલિટી સામે લચીલાશ રાખવા માટે કેશ હોલ્ડિંગ રાખવામાં આવે છે, પરંતુ લાંબા ગાળે વધુ કેશ જાળવી રાખવાથી સ્કીમના પરફોર્મન્સ પર પ્રભાવ પડી શકે છે. તેથી મોટાભાગના ફંડ હાઉસીસ માત્ર અર્નિંગ્સ વિઝિબિલિટી અને વેલ્યૂએશનના અનુકૂળ પરિસ્થિતિ દેખાય ત્યારે રોકાણ વધારતા હોય છે.
મોટા ફંડ હાઉસીસ જેમ કે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, પરાગ પરીખ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ અને મોતીલાલ ઓસ્વાલે નવેમ્બર મહિનામાં કેશ પોઝિશન થોડી ઘટાડી છે. ઉદાહરણ તરીકે, એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડે ૪.૨ ટકા કેશ હોલ્ડિંગને ૩.૮૯ ટકા કર્યો, પરાગ પરીખ મ્યુચ્યુઅલ ફંડે ૨૨.૧૭ ટકા કેશ હોલ્ડિંગને ૨૧.૩૭ ટકા, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલે ૫.૩૩ ટકા કેશ હોલ્ડિંગને ૫.૦૧ ટકા, મોતીલાલ ઓસ્વાલે ૭.૨ ટકા કેશ હોલ્ડિંગને ૬.૫૨ ટકા, અને નિપ્પોન ઈન્ડિયાએ ૧.૭૪ ટકા કેશ હોલ્ડિંગને ૧.૬૫ ટકા સુધી ઘટાડો કર્યો.
ઉપરાંત, વેલ્થ કો, કેપિટલમાઈન્ડ, ટ્રસ્ટ મ્યુચ્યુઅલ ફંડ, ૩૬૦ વન, ક્વોન્ટમ અને બજાજ ફિનસર્વ જેવા ફંડ્સે પણ કેશ રિઝર્વમાં નોંધપાત્ર ઘટાડો નોંધાવ્યો. બીજી તરફ, કેટલાક ફંડ્સે લિક્વિડિટી વધારી અને કેશ હોલ્ડિંગમાં વધારો કર્યો છે, જેમ કે એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડે ૬.૩૪ ટકા કેશ હોલ્ડિંગને ૬.૫૫ ટકા, ક્વોન્ટ મ્યુચ્યુઅલ ફંડે ૧૧.૭૭ ટકા કેશ હોલ્ડિંગને ૧૩.૯ ટકા, એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે ૪.૨૨ ટકા અને કોટક મ્યુચ્યુઅલ ફંડે ૨.૪૪ ટકા સુધી કેશ પોઝિશન વધાર્યું. સેમ્કો, એલઆઈસી, હિલિયોસ, યુનિફાઈ, ગ્રો, બેન્ક ઓફ ઈન્ડિયા, વ્હાઈટ ઓક કેપિટલ સહિતના ફંડ્સે પણ કેશ પોઝિશન વધાર્યું છે.


