
ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે તસ્કરો ત્રાટક્યા-એક મકાનનું તાળુ તોડી રૂપિયા ૧.૯૩ લાખના સોનાચાંદીના દાગીના ઉઠાવી ગયા
મકાનમાલિક સવારના સવા છ વાગ્યે તાળુ મારીને ચાલવા નીકળ્યા ત્યારબાદ પોણા સાત વાગ્યાના સમયે મકાનમાં ચોરી થયાની જાણ થઇ
પંદર મિનિટના ટુંકા સમયમાં તસ્કરો તાળુ તોડીને ચોરી કરી ગયા તે બાબતે આશ્ચર્ય સર્જાયું
ઝઘડિયા તા.૧૫ નવેમ્બર ‘૨૫
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે પાન પડીકીનો ધંધો કરતા એક રહીશના મકાનમાંથી તસ્કરો રૂપિયા ૧૯૩૫૦૦ ની કિંમતના સોનાચાંદીના દાગીના ઉઠાવી ગયા હતા. આ અંગે રાજપારડી પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ રાજપારડી ગામે નિલકંઠ સોસાયટીમાં રહેતા યોગેશ ચંદ્રવદન દોસી ગતરોજ તા.૧૪ મીના રોજ સવારના સવા છ વાગ્યાના અરસામાં જાગીને તેમના પત્નીને હું ચાલવા જાઉં છું એમ કહીને ચાલવા નીકળ્યા હતા. આ દરમિયાન તેમણે ઘરની લોખંડની ગ્રીલને બહારથી તાળુ માર્યું હતું,ત્યારબાદ પોણા સાત વાગ્યાના સમયે તેમના પત્ની જાગ્યા હતા અને ઘરના દરવાજાની ગ્રીલ ખુલ્લી જોતા ત્યાં જઇને જોતા ગ્રીલને મારેલું તાળું નીચે પડેલું હતું અને નકુચો તુટેલો હતો.તેમણે ઘરમાં જઇને જોતા તીજોરીની અંદરના લોકર તુટેલા હતા અને તેમાં મુકેલ સોનાચાંદીના દાગીનાની ચોરી થયેલ હોવાનું જણાયું હતું.ત્યારબાદ યોગેશભાઇ ઘરે આવ્યા હતા.પોલીસ ફરિયાદમાં જણાવાયા મુજબ તીજોરીમાં મુકેલ રૂપિયા ૧૯૩૫૦૦ ની કિંમતના સોનાચાંદીના વિવિધ દાગીના ચોરાયા હતા.મકાનમાલિક ગ્રીલને તાળુ મારીને ચાલવા ગય ત્યારબાદ ત્રીસ મિનિટના ટુંકા સમયમાં તસ્કરો તાળું અને તીજોરી તોડીને રૂપિયા ૧.૯૩ લાખની માતબર રકમનો મુદ્દામાલ કેવી રીતે ચોરી ગયા એ બાબતે આશ્ચર્ય સર્જાયું હતું. અને રાજપારડી નગરના મધ્યમાં ભરચક વિસ્તારમાં આવેલ નિલકંઠ સોસાયટીના મકાનમાં તાળુ તોડીને તસ્કરો ત્રીસ મિનિટના સમયમાં ચોરી કરવામાં કેવી રીતે સફળ થયા એ બાબતે પણ આશ્રય જોવા મળ્યું હતું.ઘટના સંદર્ભે મકાનમાલિક યોગેશ ચંદ્રવદન દોસી રહે.નિલકંઠ સોસાયટી રાજપારડી તા.ઝઘડિયા જિ.ભરૂચનાએ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.



