વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લામાં અંબિકા, પૂર્ણા, કાવેરી નદી તેની ભયજનક સપાટીની ઉપરથી વહેતા જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી :
નવસારી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં ભારે વરસાદ થતાં જિલ્લાની અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીઓમાં ધોડાપૂર આવતાં જિલ્લા વહીવટીતંત્ર સતર્ક બની કામગીરી કરી રહ્યુ છે. નાગરિકોને સચોટ માહિતી મળી રહે તે માટે જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ મિડિયાને જરૂરી માહિતી પૂરી પાડી હતી.
કલેક્ટરશ્રીના જણાવ્યા અનુસાર, નવસારી જિલ્લામાં છેલ્લા ૪૮ કલાકમાં સરેરાશ ૧૦૦ મી.મી.વરસાદ નોંધાયેલ છે. જેમાં સૌથી વધુ ખેરગામ તાલુકામાં ૪૧૭ મી. મી., વાંસદા- ૨૬૫ મી.મી., ચીખલી-૧૭૨ મી.મી. ગણદેવી-૧૪૦ મી.મી. જેટલો વરસાદ નોંધાયેલ છે.
નવસારી જિલ્લા તથા ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પુર્ણા નદીના જળસ્તરમાં વધારો થવા પામેલ છે. અંબિકા નદી-૩૫ ફુટ, પુર્ણા નદી-૨૫.૦૦ ફુટ તથા કાવેરી-.૨૦.૦૦ ફુટે વહી રહી છે.
નવસારી જિલ્લામાં હાલ સુધી અંદાજિત ૧૫૭૩ લોકોનું સ્થળાંતર કરવામાં આવેલ છે. જેમાં અંદાજે ૯૦૦ જેટલા લોકોને આશ્રય સ્થાનમાં રાખવામાં આવ્યાં છે. આશ્રય સ્થાનમાં રહેતા લોકો માટે પીવાનું પાણી, ભોજન અને મેડિકલની વ્યવસ્થા કરવામાં આવી છે.
જિલ્લા કલેકટરશ્રીએ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, નજીકના આશ્રયસ્થાન ખાતે સ્થળાંતરિત થવા માટે તલાટી/સરપંચશ્રી/ ફલડ ટીમ/ નગરપાલિકાના કર્મચારીઓનો સંપર્ક કરવો. તેમજ બીજા-ત્રીજા માળ પર સ્થળાંતર થવાના હોય તો આવતીકાલ બપોર સુધી ખાવાનું અને પીવાની પાણીની પૂરતી વ્યવસ્થા રાખવા જણાવાયું છે.
જિલ્લાના નગરિકોને કોઇ પણ પ્રકારની તકલીફ હોય કે પાણી ભરાવવા થી ફસાઈ ગયા હોવ તો જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નંબર ૧૦૭૭ અથવા પોલીસ કંટ્રોલ રૂમ નંબર ૧૦૦ પર તાત્કાલિક સંપર્ક કરવા નવસારી જિલ્લા તંત્ર વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે.