GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ‘આરોગ્ય સાથી’ પ્રોજેક્ટ હેઠળ રાજકોટ સિવિલ હોસ્પિટલના ૯૦૦ થી વધુ કર્મચારીઓ માટે ‘સોફ્ટ સ્કિલ’ તાલીમનો પ્રારંભ

તા.૨૮/૪/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

દર્દીની સારવારમાં સહાનુભૂતિ, ભીડ વ્યવસ્થાપન, માનવીય અભિગમ, ટીમ વર્ક, માઈન્ડ ડેવલોપમેન્ટ, અસરકારક કમ્યુનિકેશનનો બે દિવસીય તાલીમ-વર્કશોપ

રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યની વિવિધ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને સારવારમાં સુગમતા અને સધિયારો મળી રહે તે માટે હોસ્પિટલના કર્મચારીઓ માટે ‘આરોગ્ય સાથી’ પ્રોજેક્ટ હેઠળ ‘સોફ્ટ સ્કિલ’ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.

ઈ.એમ.આર.આઈ. -જી.એચ.એસ. ના સહયોગથી રાજકોટ પી.ડી.યુ. સિવિલના વોર્ડ સ્ટાફ, કેસ વિન્ડો, સિક્યોરિટી સહિતના આશરે ૯૦૦ જેટલા સ્ટાફ માટે આયોજિત ‘આરોગ્ય સાથી’ તાલીમનો પ્રારંભ આજરોજ એમ.સી.એચ. વીંગ ખાતે કરવામાં આવ્યો છે.

‘સોફ્ટ સ્કિલ’ ટ્રેનીંગ અંગે ટ્રેનર શ્રી વૈશાલી ચુડાસમાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, બે દિવસીય તાલીમ પ્રોગ્રામમાં સ્ટાફની હોસ્પિટલ મેનેજમેન્ટમાં ભૂમિકા, દર્દીની સંભાળમાં સહાનુભૂતિ, પરસ્પર જોડાયેલી જવાબદારીઓનું સંચાલન, દર્દી-કેન્દ્રિત અભિગમ વિકસાવવો, અવલોકન દ્વારા ભીડનું સંચાલન તેમજ મેનેજમેન્ટ કરવું, હોસ્પિટલોમાં સંઘર્ષ અંગે નિરાકરણ લાવવું, અસરકારક સંદેશાવ્યવહાર કૌશલ્ય, સારવાર માટે આવનાર વિકલાંગ વ્યક્તિઓને મદદ કરવા સહિતના વિષયો પર બે દિવસ દરમ્યાન વિવિધ સેશનમાં માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

આ ઉપરાંત ઉપરોક્ત વિષય સંદર્ભે કેસ સ્ટડીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુશ્કેલ મુલાકાતીનું સંચાલન કરવું, મર્યાદિત ગતિશીલતા ધરાવતા દર્દીને મદદ કરવી તેમજ મોકડ્રિલ દ્વારા લાઈવ તાલીમ પુરી પાડવામાં આવશે.

બે દિવસીય તાલીમમાં પ્રતિ બેચ ૨૫ કર્મચારીઓને ટ્રેનીંગ આપવામાં આવશે. તાલીમ બાદ દરેક સહભાગી થનાર કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. તેમની સાથે સહ ટ્રેનર તરીકે શ્રી વિપુલકુમાર પંડ્યા એમ.સી.એચ. બિલ્ડીંગમાં ટ્રેનીંગ સેન્ટરમાં માર્ગદર્શન આપી રહ્યા છે.

‘આરોગ્ય સાથી’ તાલીમ કાર્યક્રમનો શુભારંભ આજરોજ સિવિલ અધિક્ષક ડો. મોનાલી માકડીયા, આર.એમ.ઓ. ડો. હર્ષદ દુસરા, ડો.એચ. જાવિયા, ડો.હરેશ ભાડેસિયા, આસિસ્ટન્ટ હોસ્પિટલ એડમિનિસ્ટ્રેટર અંકિતા સિંહ, સિવિલના એચ.આર. મેનેજર શ્રીમતી ભાવના સોની, એમ.સી.એચ. વિભાગના એચ.આર. શ્રીમતી પ્રેઝી જાડાની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.

 

Back to top button
error: Content is protected !!