વાત્સલ્યમ્ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસી સહકારી મંડળીમાં ચાલી રહેલા કથિત ભ્રષ્ટાચારનાં વિવાદમાં દિવસે ને દિવસે નવા વળાંક આવી રહ્યા છે.ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસી સહકારી મંડળીમાં માજી પ્રમુખ અને વર્તમાન પ્રમુખ, મંત્રી અને હિસાબનીસનાં આક્ષેપ અને પ્રતિ આક્ષેપનાં ખુલાસા બાદ દવા ઉત્પાદનમાં હવે એક સનસનીખેજ ખુલાસો થયો છે.મંડળીના માજી પ્રમુખે કરેલા આક્ષેપ મુજબ,આ મંડળી સ્થાનિક જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવાને બદલે બનાસકાંઠા જિલ્લાનાં ચંડીસર ખાતે આવેલી ઓરિએન્ટ આયુર્વેદિક ફાર્મસીમાંથી તૈયાર થતી દવાઓ મંગાવે છે.આ દવાઓ પર ડાંગ આયુર્વેદિક ફાર્મસીનું લેબલ લગાવીને તેનુ વેચાણ કરવામાં આવતુ હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.આ આક્ષેપે સમગ્ર વિવાદને નવો વળાંક આપ્યો છે.માજી પ્રમુખે જણાવ્યુ છે કે, “હું જ્યારે પ્રમુખ હતો ત્યારે મને બે વખત બનાસકાંઠા ખાતે લઈ જવામાં આવ્યા હતા,જેથી હું આ પ્રવૃત્તિનો સાક્ષી છું.” અને બનાસકાંઠાથી દવાઓ લાવવા બાબતે જે તે સમયે મે વાર્ષિક સાધારણ સભામાં ખુલ્લો વિરોધ કર્યો હતો.પરંતુ જે તે સમયે પણ આ વગદાર હોદેદારોએ મારી વાત સાંભળી ન હતી.આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે આ ગેરરીતિ ઘણા સમયથી ચાલી રહી છે.આ કૌભાંડમાં માત્ર આર્થિક ગેરરીતિ જ નહીં, પરંતુ સ્થાનિક જડીબુટ્ટીઓ અને પરંપરાગત આયુર્વેદિક વારસા સાથે પણ ચેડા થઈ રહ્યાનું જણાઈ રહ્યુ છે.આ નવા આક્ષેપથી મંડળીનાં વર્તમાન વગદાર અને પૈસાદાર હોદ્દેદારો મુશ્કેલીમાં મુકાયા છે.અત્યાર સુધીમાં આ વિવાદને “પિતા-પુત્ર” ના આંતરિક સંઘર્ષ તરીકે રજૂ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો,પરંતુ હવે માજી પ્રમુખ દ્વારા જિલ્લા બહારની ફાર્મસીમાંથી દવાઓ ખરીદવામાં આવતી હોવાનાં પુરાવા રજૂ કરવાનો દાવો કરતા સમગ્ર મામલો વધુ ગંભીર અને પેચીદો બન્યો છે.માજી પ્રમુખ બનસભાઈ ચૌર્યાએ મુખ્યમંત્રીને સંબોધીને અધિક કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં આ મુદ્દો મુખ્યત્વે ઉઠાવ્યો હતો,પરંતુ ત્યારબાદ તેમના જ પુત્રએ વિરોધાભાસી નિવેદન આપીને મામલાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.સ્થાનિક લોકોમાં એવી ચર્ચા જોર પકડી રહી છે કે ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસી મંડળીનાં વગદાર હોદ્દેદારો પૈસા અને સત્તાના જોરે માજી પ્રમુખ સહીત ગરીબ અને અભણ સભાસદોને દબાવી રહ્યા છે અને ભ્રષ્ટાચાર છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસી મંડળીનાં ગૂઢ રહસ્યો હવે દિવસે ને દિવસે નવા વળાંકો લઈ શંકાનાં દાયરા સાથે બહાર આવી રહ્યા છે.ત્યારે આ સહકારી ક્ષેત્રનાં સ્કેમ અંગેની નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી રહી છે.જો આ તપાસ થાય તો સહકારી ક્ષેત્રમાં કરોડોનાં ભ્રષ્ટાચારનાં પુરાવા બહાર આવી શકે છે તેવી આશંકા વ્યક્ત કરાઈ છે.આ સમગ્ર મામલો હવે પિતા-પુત્રના વિખવાદથી આગળ વધીને બનાસકાંઠા સાથેના કથિત કૌભાંડનાં કેન્દ્રમાં આવી ગયો છે.હવે જોવાનુ એ રહ્યું કે આ મામલો બનાસકાંઠા બાદ કયો નવો વળાંક લેશે તે આવનાર દિવસોમાં જ માલુમ પડશે..