GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: બરછી ફેંક, ચક્ર ફેંક, ગોળા ફેંક સહિત એથ્લેટીક્સ સ્પર્ધામાં અનેક મેડલ મેળવતા સોનલ વસોયાએ કેનો કાયાકિંગ વોટર સ્પોર્ટ્સમાં મેડલ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું

તા.૨૯/૪/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન – રાજકુમાર

૧૮મી પેરા કેનો નેશનલ ચેમ્પિયનશિપમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ સાથે કુલ પાંચ મેડલ અપાવનાર પ્રથમ ગુજરાતી મહિલા

આગામી વર્લ્ડ કપ, એશિયન ચેમ્પિયનશિપ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પ્રબળ દાવેદાર

Rajkot: કહેવાય છે કે, ‘સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય’ અને ‘અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ આ ઉક્તિને સુપેરે સાકાર કરી છે બાળપણથી જ દિવ્યાંગ એવા શ્રી સોનલ વસોયાએ, અડગ મનોબળ અને દ્રઢ નિશ્ચયથી રમત-ગમત ક્ષેત્રે શ્રી સોનલે સોનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી રાજકોટ અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

૮૫ ટકા ડીસેબિલિટી ધરાવતા સોનલબહેન વર્ષ ૨૦૧૨થી જ વિવિધ ક્ષેત્રે સ્પર્ધાઓમાં ભાગ લઈ મેડલો જીતતા આવે છે, તેમણે બરછી ફેંક, ડીસ્ક ફેંક ગોળા ફેંક સહિતની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધા બાદ વોટર સ્પોર્ટ્સમાં આગળ વધવાનું વિચાર્યું. હામરૂપી હલેસા ભરી ઉંડા પાણીમાંથી મેડલ મેળવવાની તેમની સિદ્ધિઓ વર્ષ ૨૦૨૨થી શરૂ થઈ.

વર્ષ ૨૦૨૪માં પેરા કેનો નેશનલ ચેમ્પિયનશિપમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા બાદ જાપાનમાં એશિયન ચેમ્પિયનશિપમાં પણ સિલ્વર મેડલ મેળવી તેમણે ગુજરાતને પ્રથમ ઇન્ટરનેશનલ મેડલનું ગૌરવ અપાવ્યું, ત્યારબાદ તાજેતરમાં ૧૮મી પેરા કેનો નેશનલ ચેમ્પિયનશિપ તા. ૨૪ થી ૨૮ એપ્રિલ,૨૦૨૫ ભોપાલમાં ચાલી રહી હતી. તેમાં તેઓએ કેનો બોટમાં ૨૦૦ મીટરની રેસમાં બ્રોન્ઝ મેડલ જીત્યો અને કાયાકિંગ બોટમાં ૨૦૦ મીટરની રેસમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો છે. આમ, સોનલબહેને ત્રણ વર્ષમાં કેનોઈંગ કાયાકિંગ વોટર સ્પોર્ટસમાં ગુજરાતના એકમાત્ર ખેલાડી તરીકે ત્રણ સિલ્વર મેડલ અને બે બ્રોન્ઝ મેડલ અપાવ્યા, અને એશિયન ચેમ્પિયનશિપ ટોક્યો ખાતે ગુજરાતને ફર્સ્ટ સિલ્વર મેડલ અપાવ્યો છે.

આગામી વર્લ્ડકપને ધ્યાનમાં લઈને હાલ સોનલબહેન ભોપાલ ખાતે ઇન્ડિયા કેમ્પમાં ટ્રેનિંગ લઈ રહ્યાં છે. એક મહિનાની ટ્રેનીંગ બાદ ફાઇનલ સિલેક્શન થશે. પોલેન્ડ ખાતે રમાનાર વર્લ્ડકપ, પટાયા ખાતે રમાનાર એશિયન ચેમ્પિયનશિપ તેમજ ઇટાલી ખાતે આયોજિત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે સોનલ વસોયા મજબૂત દાવેદાર છે.

વોટર સ્પોર્ટ્સમાં ભાગ લેવા માટે તૈયારીઓ

રોજ સવારે ૭ થી ૧૨ વાગ્યા સુધી કેનોઈંગ બોટની પ્રેક્ટિસ કરવી પડે છે, ત્યારબાદ સ્વિમિંગ તેમજ રોજ સાંજે જીમ્નેશીયમમાં વર્કઆઉટ કરવું પડે છે, ફિઝિકલ ફિટનેસ સારી રહે, તે માટે ચોક્કસ ડાયેટ ફોલો કરવું પડે છે.

કાયાકિંગ તેમજ કેનો કરવું ખૂબ જ મુશ્કેલ

સોનલબહેનના જણાવ્યા પ્રમાણે આ બોટ ફાઇબરની હોય છે. મોજા તેમજ પવનના વેગને કારણે બેલેન્સ રાખવું ખૂબ જ જરૂરી હોય છે. પેડલનું યોગ્ય બેલેન્સ ન રહે તો બોટ ઊંધી વળવાની શક્યતા રહે છે, તેમજ ઊંડા પાણીમાં મગર સહિત જળચર પ્રાણીઓનો પણ ભય રહે છે. દિવ્યાંગ ખેલાડીને બોર્ડ સાથે બેલ્ટથી બાંધવામાં આવે છે, બોટ મોજાનાં કારણે ઉલટી જાય તો બોટને સુલટાવવા માટે બેલ્ટ સમય સાથે ખુલી જવો જરૂરી છે, નહીંતર ડૂબી જવાની શક્યતા રહે છે. આમ કેનોઈંગ ખૂબ જ રિસ્કી છે, તેમ જ તેને બેલેન્સ સાથે સમયમર્યાદામાં પૂરું કરવું ખૂબ જ જરૂરી છે.

 

બોટ ખૂબ જ ખર્ચાળ હોય છે

કાયાકિંગ તેમજ કેનો બોટ વિદેશથી મંગાવવી પડતી હોઇ, તેની કિંમત ખૂબ જ વધારે હોય છે. બંને બોટની કિંમત આશરે પાંચ લાખ જેટલી તેમજ પેડલની કિંમત ૬૫ હજારથી વધારે થતી હોય છે.

રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના નાના એવા રાયડી ગામના દિકરી સોનલબહેને ખેલ મહાકુંભથી શરૂ કરી અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોમાં પોતાને મળેલી સોનેરી સિદ્ધિ બદલ તેમના પરિવારજનો ઉપરાંત ગુજરાત સ્ટેટ કેનોઈંગ કાયાકિંગ એસોસિયેશનના પ્રમુખ ડો.ભગવતસિંહ વનાર, ધ સોસાયટી ફોર ફિઝિકલી હેન્ડીકેપના સેક્રેટરી કાંતિભાઇ, અંધજન મંડળના તેજલબેન તેમજ કોચ મયંક ઠાકોર, અનિલ રાઠી,રીન્કુ સિંહને શ્રેય આપે છે.

વોટર સ્પોર્ટ્સ સ્પર્ધામાં ગુજરાતમાં હજુ જૂજ ખેલાડીઓ આગળ વધી રહ્યા છે, ત્યારે ૨૦૩૬ની ઓલિમ્પિકસ ભારત અને ગુજરાતમાં રમાય તેવી શુભેચ્છા સાથે આ ઓલિમ્પિકસમાં ગુજરાતના ખેલાડીઓ પણ તેમાં સહભાગી બને તેવું સોનલબહેન વસોયાનું સપનું છે.

Back to top button
error: Content is protected !!