જૂનાગઢ જિલ્લામાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ,બૂથ લેવલ ઓફિસર્સ- BLO તા. ૦૪/૧૧/૨૦૨૫ થી ૦૪/૧૨/૨૦૨૫ દરમિયાન ઘરે ઘરે ફરીને મતદારો પાસે ગણતરી ફોર્મ ભરાવશે અને તેને જમા કરશે
જૂનાગઢ જિલ્લામાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ,બૂથ લેવલ ઓફિસર્સ- BLO તા. ૦૪/૧૧/૨૦૨૫ થી ૦૪/૧૨/૨૦૨૫ દરમિયાન ઘરે ઘરે ફરીને મતદારો પાસે ગણતરી ફોર્મ ભરાવશે અને તેને જમા કરશે

ભારતીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત કુલ ૧૨ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special intensive revision – SIR) નું સમય પત્રક જાહેર કરાયું છે. જેને લઈ તારીખ તા.૨૯/૧૦/૨૦૨૫ ના રોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ પ્રેઝન્ટેશન રજૂ કરીને મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special intensive revision – SIR) બાબતે જાણકારી આપી હતી. SIRના વિવિધ તબક્કાઓ અનુસાર તા. ૦૪/૧૧/૨૦૨૫ થી ૦૪/૧૨/૨૦૨૫ દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે ઘરે ફરીને મતદારો પાસે ગણતરી ફોર્મ ભરાવશે અને તેને જમા કરશે. ત્યારબાદ તા.૦૯/૧૨/૨૦૨૫ના રોજ હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જેમાં તા.૦૯/૧૨/૨૦૨૫ થી ૦૮/૦૧/૨૦૨૬ સુધી સુધારા માટેનો દાવો મતદારો કરી શકશે. તારીખ ૦૯/૧૨/૨૦૨૫ થી ૩૧/૦૧/૨૦૨૬ સુધી દાવાઓની સુનાવણી તથા પ્રમાણિકરણ કરાશે. આ સમગ્ર પ્રક્રિયાના અંતે તા. ૦૭/૦૨/૨૦૨૬ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. મતદારો મતદાર નોંધણી અધિકારીશ્રીના નિર્ણય સામે પ્રથમ અપીલ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, જૂનાગઢને તથા તેમના નિર્ણય સામે બીજી અપીલ મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગરને કરી શકશે.જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, ગણતરી ફોર્મ ભરવાના અને જમા કરવાના સમયગાળા દરમિયાન મતદારોએ કોઇ ડોક્યુમેન્ટ આપવાના થતા નથી. મતદારો ઓનલાઇન (https://voters.eci.gov.in) પર પોતાનું નામ ચકાસી શકશે. ડ્રાફ્ટ રોલમાં જે મતદારોના નામ રહી જવા પામે તેવા મતદારોની યાદી પંચાયત સહીતની સ્થાનિક જાહેર કચેરી ખાતે પ્રસિધ્ધ કરવામાં આવશે. મતદાર નોંધણી અધિકારીશ્રી દ્વારા નોટીસ અને સુનાવણીના તબક્કા દરમિયાન નોટીસ આપવામાં આવે ત્યારે મતદારો કુલ-૧૩ પૈકી કોઇ એક દસ્તાવેજ જમા કરી દાવો રજૂ કરી શકશે.આ સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી, જૂનાગઢ દ્વારા મતદારોને પણ અનુરોધ કરવામાં આવ્યો હતો કે, ગણતરી ફોર્મ સંપૂર્ણ રીતે ચકાસી, ભરીને બીએલઓને આપવું. SIR-2002 ની મતદારયાદીમાં નામ ચકાસવા મતદારો બીએલઓનો સંપર્ક કરી માહીતી મેળવી શકશે.જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ આ સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક બને તે માટે રાજકીય પક્ષોને દરેક તબક્કે ભાગ લેવા તથા BLOને કામગીરીમાં સહયોગ આપવા અપીલ કરી હતી. આ બેઠકમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




