
વડાપ્રધાનના દેડીયાપાડા ખાતેના કાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડાજીના પરિવારજનોની વિશેષ ઉપસ્થિતિ
જુનેદ ખત્રી રાજપીપલા
દેડીયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણીમાં ખાસ ઉપસ્થિતિ નોંધાવતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ કાર્યો, યોજનાકીય લાભો વિશે જાણકારી આપી સંબોધન આપ્યું હતું.
નોંધનીય છે કે, રાષ્ટ્રીય સ્તરની ધરતી આબા ભગવાન બિરસાની ઉજવણીમાં બિરસા મુંડાના પરિવારજનો પણ સહભાગી થયા હતાં. ઝારખંડના મહાન જનનાયક ભગવાન બિરસા મુંડાજીના પરિવારજન બુધરામ મુંડા અને તેમના પુત્ર રવિ મુંડા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
બુધરામ મુંડાનો જન્મ ૧૯૬૪ થયો હતો. તેઓ ઝારખંડ પોલીસની સ્પેશિયલ બ્રાંચમાં હવાલદાર તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમના પુત્ર, રવિ મુંડા હાલમાં રાંચીની ઉષા માર્ટિન યુનિવર્સિટીમાં બી.સી.એ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે. પિતા-પુત્ર હાલમાં રાંચીના નામકુમ ગામમાં નિવાસ કરે છે.
બિરસા મુંડાના વંશવૃક્ષ મુજબ, બુધરામ મુંડા શહીદ બિરસા મુંડાના વંશજ મોંગલ મુંડાના પુત્ર છે, જેને કારણે તેઓ ધરતી આબાના પ્રામાણિક વારસદાર ગણાય છે.
અતિથિ વિશેષ ભગવાન બિરસા મુંડાના વંશજોમાંથી બુધરામ મુંડાએ જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી આજે ભારતભરમાં થઇ રહી છે. ગુજરાતની આ ભૂમિ પર રાષ્ટ્રીય સ્તરની ઉજવણીનું આયોજન ખુબ ભવ્ય કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હરહંમેશ આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે પરિણામલક્ષી પ્રયાસો કર્યા છે. આ આયોજન બદલ હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્ર અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરું છું.





