AHAVADANGGUJARAT

આહવા તાલુકાનાં ૧૩ ગામોમાં સુરત વીજ વિભાગની સ્પેશિયલ વિજિલન્સ ડ્રાઈવ, ૩૩ વીજગ્રાહકો પર ચોરીનાં કેસ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારોમાં લાંબા સમયથી ચાલી રહેલી વીજ ચોરીને ડામવા માટે સુરત ઝોનની સ્પેશિયલ વિજિલન્સ ટીમે લાલ આંખ કરી છે.આહવા સબ ડિવિઝન હેઠળ આવતા ઘોઘલી ફીડરનાં ગામડાઓમાં  સુરત વીજ વિભાગની સ્પેશિયલ ટીમ (Vigilance Department) દ્વારા આકસ્મિક દરોડા પાડવામાં આવતા વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ (DGVCL) ના સુરત ઝોનની વિજિલન્સ ટીમે બાતમીને આધારે આહવા તાલુકાના પછાત અને ડુંગરાળ વિસ્તારોમાં મોટું ઓપરેશન હાથ ધર્યું હતુ.ખાસ કરીને ઘોઘલી ફીડર પર લોડ વધવાને કારણે અને ટેકનિકલ નુકસાન જણાતા આ રેડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટીમે  આહવા તાલુકાનાં નડગખાદી, દાવદહાડ અને ચિકટીયા,ભવાનદગાડ,ગૌર્યા અને ટોકરદહાડ,ઇસદર, સતી અને વાંગણ,વાંવદા,ઘોઘલી, સુંદા અને ધૂળચોંડ વગેરે ગામો ખૂંદી વળ્યા હતા.વિજિલન્સ ટીમના આ સર્ચ ઓપરેશન દરમિયાન મોટા પાયે ગેરરીતિઓ સામે આવી છે.કુલ પકડાયેલ વીજ ચોરીના કેસ ૩૩ (૩૩ ગ્રાહકો) નોંધાયેલ હોવાનું જાણવા મળી રહ્યું છે.તેમજ કુલ અંદાજિત દંડની રકમ  ₹ ૬.૬૭ લાખ (અંદાજે) આંકવામાં આવી રહી છે.તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ઘણા ગ્રાહકો સીધું લંગર નાખીને અથવા મીટરમાં ચેડાં કરીને વીજળીનો ઉપયોગ કરી રહ્યા હતા. સ્પેશિયલ વિજિલન્સ ટીમે સ્થળ પર જ પંચનામા કરી તમામ ૩૩ ગ્રાહકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને લાખો રૂપિયાના બિલ ફટકાર્યા છે.આહવા પંથકમાં સામાન્ય રીતે  વિજિલન્સની રેડ ઓછી થતી હોય છે, પરંતુ સુરતની ટીમે અચાનક ત્રાટકીને સ્થાનિકોને ચોંકાવી દીધા હતા. DGVCL ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રહેશે જેથી પ્રમાણિક ગ્રાહકોને પૂરતા વોલ્ટેજ મળી રહે અને સરકારી તિજોરીને થતું નુકસાન અટકાવી શકાય તેમ છે.

તસ્વીર પ્રતિકાત્મક

Back to top button
error: Content is protected !!