રિપોર્ટ : પુજા ઠક્કર, મુંદરા-કચ્છ.
બારોઇ રોડ પર સ્પીડ બ્રેકર નહીં, ટ્રાફિક નિયંત્રણની જરૂર : નહીંતર ગૌરવપથ બનશે ઘાતકપથ
મુંદરા, તા. ૯ : મુંદરાના બારોઇ રોડ પર છેલ્લા કેટલાક સમયથી સ્પીડ બ્રેકર બનાવવાની માંગને લઈને રાજકીય ચર્ચાઓ તેજ બની છે. કોંગ્રેસ દ્વારા રજૂઆત, વેપારી મંડળ દ્વારા ચક્કાજામ અને ત્યારબાદ ભાજપના હોદ્દેદારોએ અઠવાડિયામાં સ્પીડ બ્રેકર તૈયાર કરવાની ખાતરી આપ્યા બાદ પણ હજી સુધી કોઈ દેખીતું પગલું લેવામાં આવ્યું નથી. માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકા તથા પોલીસ તંત્રની ઉદાસીનતા સામે લોકોમાં ઉચાટ જોવા મળે છે.
આ ગૌરવપથ પર ટુ-વ્હીલર ચાલકો વારંવાર સ્લીપ થતા અકસ્માતો વધતા જાય છે. છેલ્લા સમયગાળામાં ૫૦ જેટલી નાની-મોટી અકસ્માતની ઘટનાઓ સામે આવી છે જેમાં કેટલાક કિસ્સાઓ ગંભીર પણ રહ્યા છે.
સ્થળ મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે બારોઇ રોડ પરના કેટલાક દુકાનદારો પોતાની દુકાન આગળ શાકભાજી અને નાસ્તાની લારી વાળાને ઉભા રહેવા માટે રૂપિયા ૫ થી ૧૦ હજાર સુધીના ભાડા વસુલ કરે છે. ફૂટપાથ ઉપર ઉભા રહેતા લારીધારકો પાસેથી પણ હપ્તા વસુલ થતી હોવાની ચર્ચાઓ થઈ રહી છે. ફૂટપાથનો ઉપયોગ પાર્કિંગ માટે થતો હોવાથી સામાન્ય લોકો રોડ પર ચાલવા મજબૂર બને છે જે જોખમી છે અને અકસ્માતોની સંભાવના વધારે છે.
વેપારી એસોસિએશનના દબાણ હેઠળ સ્પીડ બ્રેકર બનાવવાની માંગ ઉઠાવવામાં આવી છે પરંતુ કેટલાક નાગરિકોનું માનવું છે કે આ નિયમ વિરુદ્ધ છે. સામાન્ય રીતે કોઈ પણ શહેરના મુખ્ય માર્ગ પર સ્પીડ બ્રેકર બનાવવાની મંજૂરી ફક્ત શાળા કે હોસ્પિટલની નજીક જ હોય છે. બારોઇ ગૌરવપથ પર આવી કોઈ સંસ્થા ન હોવા છતાં અહીં સ્પીડ બ્રેકર બનાવવાની માંગ થઈ રહી છે જે નિયમ વિરુદ્ધ છે.
સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે પ્રશ્ન સ્પીડ બ્રેકરનો નહીં પરંતુ ટ્રાફિક નિયંત્રણ અને દેખરેખનો છે. જિલ્લા પોલીસવડા દ્વારા ઉદઘાટન કરાયેલી બારોઇ પોલીસ ચોકી ફરીથી સક્રિય કરવામાં આવે, ટ્રાફિક પોલીસ, જી.આર.ડી. તથા હોમગાર્ડની નિયમિત ડ્યુટી ગોઠવવામાં આવે અને ઓવરસ્પીડ વાહનચાલકો આને પાર્કિંગ વાળા પાસેથી દંડ વસુલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે તો અકસ્માતોમાં ઘટાડો શક્ય છે. સાંજે ૫ થી ૯ વચ્ચે જ અહીં ભીડ રહે છે બાકી દિવસ દરમિયાન માર્ગ ખાલી રહે છે જેથી સમયસર ટ્રાફિક વ્યવસ્થા કરવી એ જ વધુ યોગ્ય ઉકેલ ગણાશે.
ગૌરવપથ શહેરને આધુનિક સુવિધા આપવા માટે બનાવાયો છે. આ માર્ગ સૌનો છે એટલે કે ચાલક, દુકાનદાર અને નાગરિક દરેકે પોતાના હિસ્સાનો જવાબદાર વલણ અપનાવવું જરૂરી છે. વાહનચાલકોએ મર્યાદિત ગતિ રાખવી, દુકાનદારો અને લારીધારકોએ ફૂટપાથ સ્વચ્છ અને ખુલ્લો રાખવો તથા નગરપાલિકા અને પોલીસ તંત્રે સતત દેખરેખ રાખવી એ ત્રણેની સંકલિત જવાબદારી છે.
જો તંત્ર, વેપારીઓ અને નાગરિકો સૌ સાથે મળીને શહેરના હિતમાં કાર્ય કરશે તો જ આ ગૌરવપથ ખરેખર ગૌરવનું પ્રતિક બની રહેશે. નહીં તો રાજકીય ખેંચતાણ અને ઉદાસીનતાના કારણે આ ગૌરવપથ “ઘાતકપથ” બની રહેવાનો ખતરો છે.
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com