એક જ જન્મમાં, એક જ દિવસે અને એક જ સ્થળે આધ્યાત્મિક દર્શનનો લાભ એટલે શ્રી ૫૧ શકિતપીઠ પરિક્રમા મહોત્સવ

8 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આગામી ૩૦ જાન્યુઆરીથી ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી ત્રણ દિવસીય ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૬’નું આયોજન કરાશે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના સુચારુ આયોજન સંદર્ભે જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ પાર્કિંગ, સ્વચ્છતા, નિશુલ્ક ભોજન સહિત શ્રદ્ધાળુઓને તમામ સુવિધાઓ પૂરી પાડવા વહીવટી તંત્ર સજ્જ
માઈભક્તોને આગામી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ૨૦૨૬માં પધારવા માટે જિલ્લા કલેકટરશ્રી દ્વારા આમંત્રણ પાઠવાયું.શક્તિ, ભક્તિ અને આસ્થાના કેન્દ્ર અંબાજી ખાતે ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૬’નું આયોજન કરાશે. સમગ્ર પરિક્રમા મહોત્સવના સુચારુ આયોજનને લઈને આજરોજ જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે જણાવ્યું હતું કે, પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આગામી ૩૦ જાન્યુઆરી થી ૧ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી ત્રણ દિવસીય ‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૬’નું આયોજન કરાશે. આ મહોત્સવના સુચારુ, સુવ્યવસ્થિત અને સુંદર આયોજન તથા વ્યવસ્થાઓના ભાગરૂપે તેમણે જિલ્લાના સબંધિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા કલેકટરશ્રીએ શ્રદ્ધાળુઓને સંબોધીને જણાવ્યું કે, એક જ જન્મમાં, એક જ દિવસે અને એક જ સ્થળે આધ્યાત્મિક દર્શનનો ભક્તોને લાભ મળી રહે તે માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ અંબાજી ગબ્બર પરિક્રમા પથ ખાતે ૫૧ શક્તિપીઠનું નિર્માણ કરાયું હતું. દર વર્ષે મહા સુદ બારસ, તેરસ અને ચૌદસના દિવસે ઉજવણી કરાય છે. તેમણે જિલ્લા વહીવટી તંત્ર તરફથી માઈ ભક્તોને આગામી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં પધારવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ વિવિધ વિભાગોને સોંપવામાં આવેલી કામગીરી બાબતે જરૂરી સૂચનો કર્યા હતા. જેમાં બસનું સંચાલન, સ્વચ્છતા, પાણી અને પાર્કિંગની વ્યવસ્થા, પ્રચાર પ્રસાર, શ્રદ્ધાળુઓનું નિશુલ્ક ભોજન વ્યવસ્થા વગેરે બાબતે ચર્ચા કરાઈ હતી. આ પરિક્રમા મહોત્સવની વ્યવસ્થા જાળવવા માટે અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુમ્બે, નિવાસી અધિક જિલ્લા કલેક્ટરશ્રી સી.પી.પટેલ, અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટરશ્રી કૌશિક મોદી, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ સહિત સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.








