GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં સૌપ્રથમ વાર ‘વિશ્વ ધ્યાન દિવસ’ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ધ્યાન શિબિર યોજાઈ

તા.૨૧/૧૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

સદાય સારાનરવા રહેવા માટે નિયમિત યોગ અને ધ્યાન જરૂરી છે : મેયરશ્રી નયનાબેન પેઢડીયા

ધ્યાનના માધ્યમથી મન અને તન સ્વસ્થ રહે છે: ધારાસભ્યશ્રી ડો. દર્શિતાબેન શાહ

Rajkot: દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોના પરિણામે યોગ અને ધ્યાનને વૈશ્વિકસ્તરે લોકપ્રિયતા મળી છે. સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ વાર તા. ૨૧ ડિસેમ્બર – ‘વિશ્વ ધ્યાન દિવસ’ની ઉજવણી કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલજીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં કુલ ૪૦ સ્થળોએ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે સમર્પણ ધ્યાન સંસ્થાના સહયોગથી આત્મીય હોલ ખાતે મેયરશ્રી નયનાબેન પેઢડીયા અને ધારાસભ્યશ્રી ડો. દર્શિતાબેન શાહની અધ્યક્ષતામાં ધ્યાન શિબિર યોજાઈ હતી.

મેયરશ્રી નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું વ્હેલી પરોઢે ધ્યાન કરવાથી દિવસ શુભ બની રહે છે. સદાય સારાનરવા રહેવા માટે નિયમિત યોગ અને ધ્યાન જરૂરી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ પ્રયત્નોથી વિશ્વ યોગ દિવસ અને વિશ્વ ધ્યાન દિવસ વૈશ્વિક ફલક પર ઉજવાય રહ્યો છે. ગુજરાત સરકાર પણ જન-જન સુધી યોગ અને ધ્યાનના મહત્વને પહોંચાડવા કટિબદ્ધ છે. ત્યારે યોગ કોચોના સહયોગથી રાજકોટમાં આ કાર્ય શક્ય બની રહ્યું છે.

ધારાસભ્યશ્રી ડો. દર્શિતાબેન શાહએ જણાવ્યું હતું કે યોગ એટલે જોડાવું. યોગ જીવન જીવવાની કળા છે. અષ્ટાંગ યોગમાં ધ્યાનનો પણ સમાવેશ થાય છે. ધ્યાનના માધ્યમથી મન અને આત્માને જાણી શકાય છે, પરમાત્મા સાથે તાદમ્ય કેળવાય છે. આરોગ્ય વિજ્ઞાનની જ્યાં મર્યાદા આવી જાય, ત્યાં ધ્યાન અને યોગની પરંપરા ઉપયોગી બને છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ જનતામાં વધુને વધુ ભારતીય સંસ્કૃતિ એવા યોગ અને ધ્યાન અંગે જાગૃતિ ફેલાવવા પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રીશ્રીના ‘વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા’ના સપનાંને સાકાર કરવા ‘સ્વસ્થ રાષ્ટ્ર, સ્વસ્થ નાગરિક’ની આવશ્યકતા છે, જેના માટે યોગ અને ધ્યાનનો ફાળો અમૂલ્ય બની રહેશે.

આ કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટ્યથી કરાયા બાદ યોગ સાધક યુવતીએ ગણેશસ્તુતિ નૃત્ય કર્યું હતું. મહાનુભાવોનું ખેસ અને પુસ્તકથી સ્વાગત કરાયું હતું. અગ્રણી શ્રી મનીષભાઈ રાડિયા એ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ તકે ઉપસ્થિતોએ ધ્યાન અને પ્રાણાયામ કર્યા હતા.

આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, અગ્રણીઓ શ્રી લીલુબેન જાદવ, શ્રી જ્યોતિબેન ટીલવા, શ્રી દર્શનાબેન પંડ્યા, કો-ઓર્ડીનેટર્સ શ્રી મીતાબેન તેરૈયા અને શ્રી ગીતાબેન સોજીત્રા, યોગ કોચશ્રી પારૂલબેન દેસાઈ, આત્મીય શાળાના આચાર્યશ્રી સ્વસ્તિક દીદી સહિત યોગ કો-ઓર્ડીનેટર, કોચ, ટ્રેનર, સાધકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!