Rajkot: “આધુનિક કલાકારીને મળ્યો સરસ મેળાનો સંગ” ઇમિટેશનના વ્યવસાયને સખી મેળાનો મંચ આપવા માટે રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર : શ્રી પ્રિયંકાબેન વાઘેલા

તા.૪/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન : માર્ગી મહેતા
રીવોલ્વિંગ ફંડ રૂ. ૩૦ હજાર અને રૂ. ૧.૫ લાખની લોનની સહાય મેળવી, આત્મનિર્ભર બનતા જય દ્વારકાધીશ સખી મંડળના મહિલાઓ
Rajkot: ગુજરાત સરકાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભરતાની દિશામાં આગળ વધારવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. સખી મંડળ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે શ્રેષ્ઠ માધ્યમ બન્યું છે. સખી મેળા ગ્રામ્ય મહિલાઓ માટે રોજગાર અને આત્મવિશ્વાસનું સાધન બની રહ્યા છે. જેનું ઉત્તમ ઉદાહરણ છે જય દ્વારકાધીશ સખી મંડળ.
રાજકોટ શહેરમાં આયોજિત સરસ મેળામાં સ્ટોલધારક, રાજકોટ તાલુકાના તરઘડીયા ગામના શ્રી પ્રિયંકાબેન વાઘેલા જણાવે છે કે, ૦૨ વર્ષથી સખી મંડળ સાથે સંકળાયેલી છું. જય દ્વારકાધીશ સખી મંડળમાં કુલ ૧૦ બહેનો જોડાયેલા છીએ. દર મહિને નિયત રકમની બચત કરીએ છીએ. રીવોલ્વિંગ ફંડ રૂ. ૩૦ હજાર અને રૂ. ૧.૫ લાખની લોન મળી છે. અગાઉ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના લોકમેળામાં ૦૩ લાખથી ૩.૫ લાખ જેટલો નફો થયો હતો. અમે મંડળની બહેનો ઈમિટેશન જ્વેલેરી બનાવીએ પણ છીએ અને તેનું વેચાણ પણ કરીએ છીએ. ઇમિટેશનના વ્યવસાયને સખી મેળાનો મંચ આપવા માટે રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર.
આમ, ગુજરાત સરકારની મહિલા સશક્તિકરણની યોજનાઓ અને ગામસ્તરે મળતી સહાય ગ્રામીણ મહિલાઓની કળાને નિખારવાના દરવાજા ખોલી રહી છે. સખી મંડળ સાથે જોડાયેલી બહેનો પોતાની કમાણીથી પરિવારનું ગુજરાન ચલાવે છે, બાળકોને શિક્ષણ આપે છે. સાથેસાથે પોતાની આગવી ઓળખ પણ બનાવી રહી છે.
સખી મંડળ
ગુજરાત સરકારે આર્થિક રીતે નબળા કુટુંબોના જીવનધોરણમાં સુધારો લાવવા અને મહિલાઓના સશક્તિકરણ માટે સખી મંડળની રચના કરી છે. રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૦માં મિશન મંગલમ્ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ (જી.એલ.પી.સી.)ની રચના કરી હતી. જેના હેઠળ સ્વસહાય જૂથ સાથે જોડાયેલી મહિલાઓને આર્થિક સક્ષમ કરી, કૌશલ્યવર્ધન તાલીમ આપી, બેંક ધિરાણ આપી તથા આંતરિક માળખાકીય સુવિધાઓ પૂરી પાડીને તેમને સ્વરોજગારી થકી આર્થિક રીતે પગભર બનાવવામાં આવે છે. સખી મેળામાં સ્વસહાય જૂથોને સીધા ગ્રાહકોને વેચાણ કરવાની તક મળતાં ઉત્પાદનના સારા ભાવ પણ મળી રહે છે. આમ, અનેક મહિલાઓ વ્યવસાય અર્થે ઘરથી બહાર નીકળી સ્વનિર્ભર બનતા મિશન મંગલમ્ સાર્થક થયું છે.




