ગુજરાતમાંથી શરૂ થઈ ‘ટીડીબી આત્મનિર્ભર યાત્રા’: સાયન્સ સિટીમાં ‘ફ્રોમ લેબ ટુ માર્કેટ’ વિષય પર રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ), ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડ (ટીડીબી)ના સહયોગથી ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘ફ્રોમ લેબ ટુ માર્કેટ : ટીડીબી બ્રિજીસ ધ ગેપ’ વિષય પર એકદિનીય રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ.
આ કોન્ફરન્સ દ્વારા સ્ટાર્ટ-અપ્સ, એમએસએમઈ ક્ષેત્ર અને યુવા ઉદ્યોગસાહસિકોને ટેકનોલોજી વ્યાપારીકરણના અવસરો પ્રદાન કરવા તથા સંશોધન અને ઉદ્યોગસાહસિકતાના સુમેળ માટે પ્લેટફોર્મ પૂરું પાડવાનું મુખ્ય ઉદ્દેશ રહ્યું.
ગુજરાત રાજ્યના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારે ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતના વિઝનને અનુરૂપ ગુજરાતમાંથી શરૂ થતી આ યાત્રા ગુજરાત માટે ગર્વની બાબત છે. આજે ટેકનોલોજી અને ઇનોવેશન લેબ સુધી સીમિત ન રહી, એનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે તે દિશામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર કાર્યરત છે.
કોન્ફરન્સના ઉદ્ઘાટન અવસરે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી તેમજ ટીડીબીના સચિવ રાજેશકુમાર પાઠક, ગુજકોસ્ટના ડાયરેક્ટર જનરલ ડૉ. સુમેર ચોપરા, ગુજકોસ્ટના એડવાઇઝર ડૉ. નરોત્તમ સાહૂ, સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બિમલ પટેલ, આઈઆઈટી ગાંધીનગરના ડાયરેક્ટર ડૉ. રજત મૂના, ટીડીબીના વૈજ્ઞાનિક કપિલ કુમાર ત્રિપાઠી સહિત વિવિધ ઉદ્યોગવિદો હાજર રહ્યા હતા.
કોન્ફરન્સમાં સમગ્ર દેશના વિવિધ સ્ટાર્ટ-અપ્સ, ઇન્ક્યુબેશન સેન્ટર્સ, આઇહબ, આઇક્રિએટ અને જિલ્લાસ્થરિય ઔદ્યોગિક ક્લસ્ટરોમાંથી 200થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો.
ગુજકોસ્ટ દ્વારા અભિપ્રેત છે કે સંશોધન અને વ્યાપારીકરણ વચ્ચેના અંતરને ટૂંકાવા માટે ટીડીડીને સ્ટાર્ટ-અપ્સ અને ટેક ડેવલપર્સ સાથે સંકળાવી ટેક્નોલોજી ટ્રાન્સફરને વેગ અપાવવામાં આવે. ટીડીબી દ્વારા નવીન ટેકનોલોજીના વ્યાપારીકરણ માટે કંપનીઓને સોફ્ટ લોન, ઇક્વિટી અથવા ગ્રાન્ટના માધ્યમથી નાણાકીય સહાય આપવામાં આવે છે.
આ કોન્ફરન્સ દ્વારા ટેકનોલોજી પરિપ્રેક્ષ્યે સરકારી અને ખાનગી ક્ષેત્રની ક્ષમતાઓ વચ્ચે સહયોગના નવા દરવાજા ખૂલે તેવી શક્યતા છે.