ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકારનું આયોજન
18 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે ખેડૂતોની ઓનલાઇન નોંધણી થશે

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: ગુજરાત રાજ્યમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતી રહે તે માટે ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. વર્ષ 2024-25 માટે ભારત સરકારે ચણાના ટેકાના ભાવ રૂ. 5650 પ્રતિ ક્વિન્ટલ અને રાયડાના ટેકાના ભાવ રૂ. 5950 પ્રતિ ક્વિન્ટલ જાહેર કર્યા છે.
કિસાનોને પાકના યોગ્ય ભાવ મળે, તે માટે ભારત સરકારની પીએમ આશા (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના હેઠળ પીએસએસ અંતર્ગત રાજ્યમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ખેડૂતો માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા
રાજ્યના તમામ જિલ્લાઓમાં 18 ફેબ્રુઆરી 2025થી 9 માર્ચ 2025 સુધી ખેડૂતોની નોંધણી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે વિના મૂલ્યે ઓનલાઇન કરવામાં આવશે. નોંધણી નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે.
ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે. રાજ્યમાં 14 માર્ચ 2025થી વિવિધ ખરીદ કેન્દ્રો પર ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવાની તૈયારી કરવામાં આવી છે.
સહાય માટે સરકારનું આયોજન
રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી સુનિશ્ચિત કરવા માટે તમામ આગોતરા આયોજન કરી લીધું છે. આ યોજના હેઠળ પાકના ટેકાના ભાવથી વેચાણ માટે યોગ્ય પ્રક્રિયા અપનાવવામાં આવશે, જેથી ખેડૂતોને મજબૂત આર્થિક આધાર મળી રહે.



