Rajkot: દિવેલાના પાકમાં વિવિધ ઈયળના નિયંત્રણ માટે લેવાના પગલાં
તા.૧/૧૦/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ઉપાયો સૂચવાયા
Rajkot: દિવેલાના પાકમાં ઘોડિયા ઈયળ, પાન ખાનાર ઈયળ, ડોડવા કોરી ખાનાર ઈયળના સંકલિત વ્યવસ્થાપન માટેના ઉપાયો જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા સૂચવવામાં આવ્યા છે.
યાદીમાં જણાવાયા મુજબ, કાતરા અને પાન ખાનારી ઈયળ (સ્પોડોપ્ટેરા)ના ઈંડા અનુક્રમે શેઢા-પાળા ઉપર ઉગેલા ઘાસ અને દિવેલાના પાન પર જથ્થામાં મુકાતા હોય છે. આથી ઈઁડાના સમૂહ તેમજ પ્રથમ અવસ્થાની ઈયળોના સમૂહ સાથે પાંદડાને વીણી લઈને નાશ કરવો. મોટા કદની ઘોડીયા ઈયળો અને લશ્કરી ઈયળોને શક્ય હોય ત્યાં સુધી હાથથી વીણી લઈને નાશ કરવો.
ખેતરમાં દિવેલાની ઘોડીયા ઈયળની ફુદીઓની હાજરી જણાય તો ટ્રાયકોગામા નામની ભમરીઓ દર અઠવાડીયે એક લાખ પ્રમાણે હેક્ટર દીઠ છોડવાથી સારું પરિણામ મળે છે.
ઘોડિયા ઈયળના ફુદાં આકર્ષી નાશ કરવા પ્રકાશપિંજર રાત્રિના સમયે ગોઠવવા. ઘોડિયાની નર ફુદીઓને આકર્ષવા ફેરોમોન ટ્રેપ ૮-૧૦ પ્રતિ હેક્ટર વાવણી બાદ ખેતરમાં ગોઠવવા તથા તેની ટોટી (લ્યુર-સેપ્ટા) ૧૦થી ૨૦ દિવસના અંતરને બદલતાં રહેવું.
ઘોડિયા ઈયળો જોવા મળે ત્યારે બેસીલસ થુરેન્જીનેસીસ રોગપ્રેરક જીવાણુનો પાવડર ૩૦ ગ્રામ ૧૦ લીટર પાણી સાથે સાંજના સમયે છંટકાવ કરવો.
દિવેલાની ઘોડીયા ઈયળોનું પ્રમાણ વધારે હોય તો કીટકભક્ષી પક્ષીઓ જેવા કે, મેના, વઈયા, કાળીયોકોશી વગેરે પક્ષીઓને આકર્ષવા ૮થી ૧૦ ફૂટ લાંબા ૫૦ ટેકા પ્રતિ હેક્ટર મુકવા.
એન.પી.વી. વાયરસગ્રસ્ત ૨૫૦ ઈયળ એકમ દ્રાવણ ૭૦૦ લીટર પાણીમાં હેક્ટર વિસ્તારમાં છાંટવાથી પાન ખાનાર ઈયળોમાં રોગ લાગુ પડતાં સારું નિયંત્રણ મળે છે.
પાકમાં સ્થાનિક જીવાતો (એન્ડેમિક પેસ્ટ)નો વધુ ઉપદ્રવ જણાયેથી કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરાયેલી રાસાયણિક જંતુનાશક દવાઓનો જરૂરિયાત તેમજ ભલામણ મુજબ ઉપયોગ કરવો.
આ અંગે વધુ જાણકારી માટે ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક વિસ્તરણ, નાયબ ખેતી નિયામક તાલીમનો સંપર્ક કરી શકાય છે.