GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: કપાસમાં રોગ-જીવાતના સંકલિત વ્યવસ્થાપન માટે પગલાં જાહેર કરાયા

તા.૧૯/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: કપાસમાં ચુસીયા પ્રકારની જીવાતોના સંકલિત વ્યવસ્થાપન માટે વાવણી પહેલાં તથા વાવણી સમયે લેવાના પગલાં જાહેર કરવામાં આવ્યા છે. જે અનુસાર ખેતરમાં ઉનાળામાં ઊંડી ખેડ કરવી જેથી જમીનની તિરાડ કે ફાટમાં ભરાઈ રહેલા મીલીબગનું નિયંત્રણ થાય. બીજને ઇમિડાકલોપ્રીડ ૭૦ ડબલ્યુ.એસ. ૭.૫ મિલી પ્રતિ કિલો બીજ અથવા થાયોમીથોક્ઝામ ૭૦ ડબલ્યુ.એસ. ૨.૮ મિલી પ્રતિ કિલો બીજ પ્રમાણે માવજત આપી વાવણી કરવી જેથી પાકની શરૂઆતની અવસ્થામાં જ ચુસિયા પ્રકારની જીવાતોથી રક્ષણ મેળવી શકાશે.

શેઢાપાળા ઉપર ઉગતા નિંદણો ખાસ કરીને ગાડર, જંગલી ભીંડા, કોંગ્રેસ ઘાસ વગેરે પ્રકારના નિંદામણોનો છોડ ઉખાડીને નાશ કરવો. ખેતરમાં ચૂસિયા જીવાતોના કુદરતી દુશ્મનોની વસ્તી વધારવા માટે ૦.૨૦ હેક્ટર વિસ્તારમાં જુદી-જુદી વનસ્પતિઓ જેવી કે રજકો, કેશિયા, શેના, મકાઈ અને અન્ય ફૂલ આવતા છોડ વાવી શકાય. કપાસમાં મોલોના અસરકારક કુદરતી નિયંત્રણ માટે પિંજર પાક તરીકે મકાઇ આને જુવારનું વાવેતર કરવું. મકાઈ તેમજ જુવારના પર્ણચક્રમાં મોલોના પરભક્ષી લેડી બર્ડ બીટલ(ડાળીયા)ની ઇયળ અને પુખ્ત ઢાલિયાની વસ્તી નભતી હોવાથી આ પિંજર પાકો પર પણ જંતુનાશક દવાનો છંટકાવ કરવો નહિ.

મોલોમશી તથા તડતડિયાના જૈવિક નિયંત્રણ માટે પરભક્ષી લીલી પોપટી (ક્રાઈસોપા)ના ઈંડા અથવા ઈયળને હેક્ટરે ૧૦ હજારની સંખ્યામાં બે વખત છોડવી. ચૂસીયા પ્રકારની જીવાતના નિયંત્રણ માટે કપાસના પાકની ફરતે બે હાર મકાઈની અથવા મકાઈના ૧૦% છોડ અથવા કપાસની ૧૦ હાર પછી એક હાર મકાઈની ઉગાડવી જોઈએ.

બીટી કપાસમાં ગુલાબી ઈયળના સંકલિત વ્યવસ્થાપન માટે અગાઉ પાક પૂરો થઈ ગયા બાદ કપાસના ખેતરમાં ખરી પડેલા ફૂલ, કડી અને જીંડવા ભેગા કરી નાશ કરવો. શક્ય હોય તો પાકની ફેરબદલી અને દર બે વર્ષે ઊંડી ખેડ કરવી. વહેલી પાકતી ચૂસિયા પ્રતિકારક, માન્ય બીટીશંકર જાતોના બિયારણનો વાવણી (૧૫ જૂન થી ૧૫ જુલાઈ) માટે ઉપયોગ કરવો જોઈએ.

ભારત સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ બીજ ઉત્પાદક કંપનીઓ દ્વારા બીટી કપાસના બિયારણ ૪૭૫ ગ્રામમાં જ ૫-૧૦% નોન બીટી અથવા રેફ્યુજીયા બિયારણના મિશ્ર પેકેટ તૈયાર કરી આપવામાં આવે છે તેનું વાવેતર કરવું અને પિંજર પાક તરીકે મકાઇ, જુવાર, દિવેલા અથવા પીળા ગલગોટાનું કપાસની ૧૦ હાર પછી એક હારમાં વાવેતર કરવું અને તેની ઉપર મુકાયેલી લીલી ઇયળ, લશ્કરી ઇયળના ઈંડા તથા ઇયળોનો સમયાંતરે નાશ કરવો.

કપાસની જીવાતોના કુદરતી દુશ્મનોની જાળવણી માટે કપાસમાં મકાઈ અથવા જુવાર અને ચોળીની ૧૦% પ્રમાણમાં છાંટ નાખવી. કાબરી ઇયળના નિયંત્રણ માટે કપાસના પાકની બે હાર વચ્ચે ભીંડાનું વાવેતર કરવું.

પાન ખાનારી ઇયળ (લશ્કરી ઈયળ) થી પાકને બચાવવા માટે કપાસના ખેતરની ફરતે દિવેલાનું વાવેતર કરવું જેથી લશ્કરી ઇયળની માદા ફૂદીઓ દિવેલાના પાક ઉપર ઈંડા મૂકે છે. દિવેલાના છોડ પરથી આવા ઈંડા અથવા ઈયળના સમૂહને એકઠા કરી તેનો નાશ કરવો. વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે તે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજીઓ રાખવા અને અનુસરવા જણાવવામાં આવે છે.

આ અંગે વધુ જાણકારી સંબંધિત વિસ્તારના ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી રાજકોટની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!