આણંદ એલિકોન કંપની ના નિવૃત થયેલ કર્મચારી ના ઘરે ચોરી

આણંદ એલિકોન કંપની ના નિવૃત થયેલ કર્મચારી ના ઘરે ચોરી
તાહિર મેમણ – આણંદ – 21/04/2025 – આણંદ શહેરમાં અક્ષર ફાર્મ નજીક રોયલ પાર્ક સોસાયટીમાં એક બંધ મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. એલિકોન કંપનીમાંથી નિવૃત્ત થયેલા ભાવેશભાઈ હાલમાં તેમની પત્ની પ્રીતિબેન સાથે અમેરિકામાં સ્થાયી થયા છે. તેમનું આણંદનું મકાન લાંબા સમયથી બંધ હતું.
ચોરી 20 નવેમ્બરથી 23 ડિસેમ્બર 2024ના સમયગાળા દરમિયાન થઈ હતી. ઘટનાની જાણ વડોદરા રહેતા ભાવેશભાઈની પુત્રી દીક્ષિતાબેન પુરોહિતને થતાં તેઓ આણંદ પહોંચ્યા હતા. ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો હતો. ઘરની અંદર સરસામાન વેરવિખેર હાલતમાં હતો. બેડરૂમમાં તિજોરીના દરવાજા ખુલ્લા મળ્યા હતા.
તિજોરીમાંથી એલિકોન કંપનીમાં નોકરી દરમિયાન ભાવેશભાઈને મળેલા 3 મોટા અને 7 નાના ચાંદીના સિક્કા ગાયબ હતા. આ ઉપરાંત 30 જેટલા પૂજાના ચાંદીના સિક્કા અને રોકડા 50 હજાર રૂપિયાની ચોરી થઈ હતી. દીક્ષિતાબેને આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.




