
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષકોમાં યશપાલ જગાણીયાનાં કાર્યકાળમાં પ્રોજેકટ દેવી,પ્રોજેકટ સંવેદના સહિત પ્રવાસીમિત્ર પ્રોજેકટ ખરા અર્થમાં સફળ બન્યા..
ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક (SP) યશપાલ જગાણીયા (IPS)ની તાજેતરમાં બદલી થતા તેમના સન્માનમાં આહવા પોલીસ હેડ ક્વાટર્સનાં હોલમાં એક ભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો.આ કાર્યક્રમમાં જિલ્લાનાં પોલીસ અધિકારીઓ,પોલીસકર્મીઓ અને સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.અને પોલીસ અધિક્ષકનાં યોગદાનને બિરદાવ્યુ હતુ.ઉલ્લેખનીય છે કે,જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા(IPS)એ ડાંગ જિલ્લાનાં કાર્યકાળ દરમિયાન અનેક નવતર પ્રોજેક્ટ્સ શરૂ કર્યા હતા.જે પ્રોજેકટોએ સામાન્ય આદિવાસી પ્રજાનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યુ છે.જિલ્લાનાં પોલીસ વડા યશપાલ જગાણીયાએ ડાંગ જેવા આદિવાસી બહુલ અને રાજ્યના છેવાડાનાં જિલ્લામાં લોકકલ્યાણ અને પોલીસને એક નવી દિશા આપી છે.તેમના દ્વારા શરૂ કરાયેલા મુખ્ય પ્રોજેક્ટ્સમાં પ્રોજેક્ટ દેવી, પ્રોજેક્ટ સંવેદના, પ્રવાસીમિત્ર, અને તેરા તુજકો અર્પણનો સમાવેશ થાય છે.આ પ્રોજેક્ટ્સ ખરા અર્થમાં જિલ્લાના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયા છે.જેમાં “પ્રોજેક્ટ દેવી”ને નેશનલ કક્ષાએ સ્કોચ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે.આ પ્રોજેકટની મુખ્યમંત્રી સહીત રાજ્યનાં ગૃહમંત્રીએ ખરા હૃદયથી સરાહના કરી છે.જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા પ્રોજેકટ દેવી અંતર્ગત જિલ્લાનાં ગામડાઓમાં “ડાકણ”પ્રથા નાબૂદ કરવા માટે પહેલ હાથ ધરી હતી. અને પીડીત મહિલાઓને “દેવી”નું સન્માન આપી સમાજમાં સ્વમાનભેર જીવન જીવવાની રાહ બતાવી છે.પ્રોજેકટ દેવી અંતર્ગત હાલમાં ડાંગની ‘સી’ ટીમ દ્વારા પીડિત મહિલાઓની નિયમિત મુલાકાત લેવામાં આવે છે.આ ટીમ મહિલાઓને સરકારી યોજનાઓ જેવી કે રાશન કીટ, વૃદ્ધા સહાય, વિધવા સહાય, ઉજ્જવલા યોજના, બાળકોના શિક્ષણની વ્યવસ્થા, નાના ઉદ્યોગો માટે લોન વગેરે માટે માર્ગદર્શન અને મદદ પૂરી પાડે છે.આ પ્રયાસોથી જિલ્લાની ગરીબ આદિવાસી મહિલાઓ આત્મવિશ્વાસ સાથે જીવન જીવી રહી છે.જ્યારે પ્રોજેક્ટ સંવેદના હેઠળ કોઈ પણ દુર્ઘટનામાં અપમૃત્યુ પામેલા કે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિના પરિવારજનોને ‘સી ટીમ’ના સભ્યો ઘરે જઈને મળે છે અને તેમને સાંત્વના આપે છે. આ માનવીય અભિગમથી શોકમાં ડૂબેલા પરિવારોને ભાવનાત્મક ટેકો મળે છે અને તેમની પીડા હળવી થાય છે.ડાંગ જિલ્લામાં પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયાનાં સકારાત્મક અભિગમથી જિલ્લામાં પ્રવાસી મિત્ર પ્રોજેક્ટ પણ સફળ થયો છે.ડાંગ જિલ્લો પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર હોવાથી પ્રવાસનનો વિકાસ કરીને સ્થાનિક લોકોને આર્થિક રીતે સદ્ધર બનાવી શકાય છે.આ પ્રોજેક્ટ હેઠળ પ્રવાસીઓને સુરક્ષા અને તમામ સ્થળોની માહિતી પૂરી પાડવામાં આવે છે, જેનાથી પ્રવાસનને વેગ મળ્યો છે અને સ્થાનિકો માટે રોજગારીની નવી તકો ઊભી થઈ છે.વર્ષ 2024-25માં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ડાંગ પોલીસે ખોવાયેલા મોંઘા મોબાઈલ ફોન શોધી કાઢીને તેમના મૂળ માલિકોને પરત આપ્યા હતા.આ ઉપરાંત, સાયબર ક્રાઈમમાં ફ્રીઝ થયેલી રકમ પણ અરજદારોને પરત આપવામાં આવી છે, જેનાથી લોકોમાં ખુશીની લાગણી પ્રસરી હતી અને પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો હતો.ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયાની બદલી થતા જ જિલ્લામાં દુઃખની લાગણી પ્રવર્તી જવા પામી છે.આ બાહોશ પોલીસ અધિકારીએ કાયદો અને વ્યવસ્થાની નિષ્ઠાપૂર્વક જાળવણી કરી છે.સાથે ગરીબો અને પીડિતો માટે નવી કેડી કંડારી એક નવુ પ્રેરણાનું ઝરણુ સાબિત થયા છે.આજરોજ તેઓનો શુભેચ્છા સન્માન સમારોહ યોજાયો હતો.જે સન્માન સમારોહમાં નાયબ પોલીસ અધિક્ષકોમાં જયદીપ સરવૈયા,જનેશ્વર નલવૈયા,વઘઇ પી.આઈ.વી.કે.ગઢવી,સાપુતારા પી.આઈ. પી.ડી.ગોંડલિયા, સુબિર પી.આઈ.ડી.કે.ચૌધરી,આહવા પી.આઈ. ડોડિયા અને એલ.સી.બી.પી.એસ.આઈ.કે.જે.નિરંજન દ્વારા પ્રતિભાવો રજૂ કર્યા હતા.અહી ઉપસ્થિત કર્મચારીઓએ પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયાને શ્રીફળ,મોમેન્ટો આપી તથા શાલ ઓઢાડી સન્માન કર્યા હતા.સાથે પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી હતી..




